અમદાવાદ, તા. ૬
ડાંગ જિલ્લાના વધઈમાં ૧૧ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે જેના લીધે સમગ્ર પંથકમાં ચારેબાજુ પાણી ભરાઈ ગયા છે. મહાલ એકલવ્ય સ્કુલમાં પાણી ભરાઈ જતાં ૩૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓને બચાવવામાં આવ્યા હતા. ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદના લીધે પૂર્ણાનદીમાં ઘોડાપુર આવી ગયા છે. ઘોડાપુર આવતા મહાલ ખાતેની એકલવ્ય મોડલ સ્કુલમાં પાણી ભરાઈ ગયા હતા. બાળકોમાં ભાગદોડ મચી ગઈ હતી. તમામ બાળકોને ખસેડવામાં આવ્યા બાદ રેસ્ટહાઉસમાં લઇ જવામાં આવ્યા હતા. બીજી બાજુ સાપુતારાની તળેટી વિસ્તાર સહિતના અનેક કોઝ વે અંબિકા નદીના પુરના પાણીમાં આવી ગયા છે. ૧૫ ગામો સંપર્કવિહોણા થઇ ગયા છે. સાપુતારા વધઈ માર્ગ ઉપર ભેખડો ધસી પડવાના બનાવો બન્યા હોવાના અહેવાલ મળ્યા છે. આહવામાં પણ ભારે વરસાદ નોંધાયો છે.