વડોદરા,તા.૧૬
એક ચોંકાવનારો અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અટલાદરાનાં સ્વામીનારાયણના સ્વામી પાસે દાનમાં આવેલા ડોલર સસ્તામાં લઇ રૂપિયા કમાવવાની લાલચ આપી બે ઠગોએ રાજસ્થાનના ખેડૂત સાથે બે લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. આ અંગે ખેડૂતે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બંન્ને ભેજાબાજોની વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, રાજસ્થાનના નાગોર જિલ્લાના જાયેલ તાલુકામાં ડેહ ખાતે રહેતા અજયપાલ અરવણરામ જાટ ખેતી કરે છે. તા.૧૩ મેના રોજ ખેડૂતનાં મોબાઇલ પર વડોદરાથી રાકેશનો ફોન આવ્યો હતો. ત્યારે તેણે સસ્તા ભાવે ડોલર આપવાની ઓફર કરી હતી પરંતુ અજયપાલે ના પાડી દીધી હતી. જે બાદ ઘણીવાર રાકેશ વારંવાર ફોન કરીને આ લાલચ આપતો હતો. જે બાદ એક દિવસ તેણે ફોન કરીને કહ્યું કે, ડોલર ખરીદવા હોય કે ના ખરીદવા હોય પરંતુ પોતનો મિત્ર ગણીને વડોદરામાં સ્વામીનારાયણ મંદિરના સ્વામીજીને મળવા તો આવો તેવુ કહીને વડોદરા બોલાવ્યો હતો.
આ બધી વાત માનીને અને ડાૅલર લેવાની લાલચે ૨૧ જુલાઇનાં રોજ અજયપાલ તેમના સંબંધી હરદેવ અખારામ જાટની સાથે બસમાં વડોદરા આવ્યા હતા. આ લોકો રાકેશને ઇનઓર્બીટ મોલ પાસે મળ્યા હતા. બાદમાં રાકેશ એક રિક્ષામાં બેસાડી અજયપાલ અને હરદેવને અક્ષરચોક લઇ ગયો હતો. જ્યાં એક વેગનઆર કારમાં તુષાર પટેલ નામની વ્યક્તિ કારમાં બેસાડીને તમામને અટલાદરા સ્વામીનારાયણ મંદિરના ૩ નંબરના ગેટ પાસે લઇ ગયો હતો. જ્યાં બપોરે સ્વામી જી સૂતા હશે આપણે સાંજે આવીશું એવું કહીને ત્યાંથી બીજે લઇ ગયો હતો.
આ દરમિયાન રાકેશ અને તેની સાથેના સાથીએ અજયપાલને જણાવ્યું કે તમારી પાસેના બે લાખ રૂપિયા અત્યારે મને આપી દો. થોડા સમયમાં કાર ચલાવતા તુષારે જણાવ્યું હતું કે, તમારા સંબંધીઓને બે મિનિટ નીચે ઉતારો. એટલે બંન્ને નીચે ઉતાર્યા હતા. એટલામાંજ તુષાર અને રાકેશે કાર ભગાડી હતી. જે બાદ આજયપાલે રાકેશનો સંપર્ક કર્યો પરંતુ થઇ શક્યો ન હતો. જેથી રે અજયપાલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને ભેજાબાજોની વધુ તપાસ હાથ ધરી છે.