હવામાન સાથે જોડાયેલ વિશ્લેષ્ણ અને પૂર્વાનુમાન રજૂ કરનાર ખાનગી કંપની સ્કાઇમેટે કહ્યું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળ પહોંચી ગયું છે. તેની સાથે જ દેશમાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂન વરસાદની સીઝન શરૂ થઇ ગઇ છે, પરંતુ ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (આઇએમડી)એ પોતાના આજના બુલેટિનમાં સવારે 8:15 વાગ્યે કહ્યું હતું કે ચોમાસું આવતા 24 કલાકમાં કેરળ પહોંચશે.
સ્કાયમેટના સીઇઓ જતીન સિંહે કહ્યું કે કેરળમાં મોનસૂન જેવી સ્થિતિ છે અને અમે કહી શકીએ કે વાર્ષિક વરસાદનું આગમન શરૂ થઇ ગયું છે. આની પહેલાં સ્કાઇમેટે પોતાના પૂર્વાનુમાનમાં કહ્યું હતું કે મોનસુન 28મી મેના રોજ કેરળમાં પ્રવેશ કરશે જ્યારે આઈએમડીનો અંદાજ હતો કે ચોમાસું 29મી મેના રોજ દસ્તક દેશે.
હવામાન વિભાગના એડિશનલ ડાયરેકટર જનરલ મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું કે મોનસૂન આવતા 24 કલાકમાં કેરળ પહોંચવાની આશા છે. હવામાન વિભાગના મતે જો 10મી મે બાદ કેરળમાં સ્થાપિત 14 હવામાન મોનિટરિંગ કેન્દ્રોમાં 60 ટકામાં સતત બે દિવસ 2.5 મિલી મીટર કે તેનાથી વધુનો વરસાદ સતત બે દિવસ સુધી નોંધાય છે, તો બીજા દિવસે કેરળમાં મૉનસૂનના પ્રવેશની જાહેરાત કરી શકે છે. આ મૉનસૂન આવવાના મુખ્ય માપદંડમાંથી એક છે.