ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની ગળુ કાપી હત્યા કરવામાં આવી હતી. ગુજરાત એટીએસની ટીમે સુરતથી હત્યામાં સંકડાયેલા 3 આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેય આરોપીઓની અલગ અલગ ભૂમિકા છે. સુરતથી મીઠાઈનો ડબ્બો ખરીદ્યો હતો અને લઈ ગયા હતા. તિવારીએ કરેલી ટિપ્પણી મામલે હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવાય છે. હાલમાં એટીએસ દ્વારા ફૈઝાન,રશિદ અને મોહસિનની આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ખુર્શીદબાગ વિસ્તારમાં રહેતા હિંદુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની શુક્રવારે બપોરે બે અજાણી વ્યક્તિએ ચપ્પુ મારી હત્યા કરી હતી. આ હત્યાનો રેલો સુરત સુધી પહોંચ્યો છે. જેમાં વાત એવી છે કે કમલેશ તિવારીની જે બે હત્યારાઓએ હત્યા કરી હતી તે બન્ને હત્યારાઓ મીઠાઈના બોક્સમાં ચપ્પુ અને તમંચા લઈને આવ્યા હતા. એ મીઠાઈનું બોક્સ ઉઘના દરવાજા પાસેની ધરતી નામની ફરસાણની દુકાનનું હોવાનું બહાર આવ્યું છે. જેથી લખનઉ પોલીસે આ બાબતે સુરતની ક્રાઇમ બ્રાંચને જાણ કરી હતી.
ક્રાઇમ બ્રાંચે સ્ટાફ સાથે ફરસાણની દુકાન પર જઈને તપાસ શરૂ કરી છે. પોલીસે ફરસાણની દુકાનના સીસીટીવી કેમેરાની ડીવીઆર લઈને તપાસ શરૂ કરી છે. કેમેરાના આધારે શંકાસ્પદ ઈસમોની ગતિવિધિ વિશે માહિતી મેળવીને પોલીસ તપાસ કરી રહી છે. વધુમાં કમલેશ તિવારીની હત્યામાં ISISનો હાથ હોવાનું અને હત્યારાઓએ સુરતથી મીઠાઈ ખરીદી હોવાના કારણે હવે તપાસમાં ગુજરાત ATS પણ જોતરાઈ છે.
ઉલ્લેખનીય છે કે હિન્દુ મહાસભાના નેતા કમલેશ તિવારીએ ડિસેમ્બર, 2015 માં પેગંબર મુહમ્મદ વિરોધી વિવાદિત નિવેદન આપ્યું હતું. તેને લઈ ઘણો વિવાદ થયો હતો, ત્યારબાદ કમલેશ તિવારીની વિવાદાસ્પદ નિવેદન બદલ ધરપકડ થઈ હતી. હાલમાં તેઓ જામીન પર છૂટ્યા હતા. અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપિઠે તાજેતરમાં જ કમલેશ તિવારી પર લાગેલા રાષ્ટ્રીય સુરક્ષા કાનૂનને હટાવ્યો હતો.