મુંબઈ, તા. ૩૦
છેલ્લા એક વર્ષના ગાળામાં હેન્ડસેટ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા ૨૫૦૦૦૦ કર્મચારીઓ પૈકી મોટાભાગના લોકોએ નોકરીથી હાથ ધોવાની ફરજ પડી છે. રિટેલ, ડિસ્ટ્રીબ્યુશન અને મેન્યુફેક્ચરિંગ સેગ્મેન્ટમાં છટણીની પ્રક્રિયા મોટાપાયે હાથ ધરવામાં આવી છે. ઓનલાઈન ચેનલના ગ્રોથ વધવાના લીધે રિટેલ સ્ટોરને નુકસાન થઇ રહ્યું છે. સાથે સાથે ચીનની કંપનીઓનું દબાણ યથાવતરીતે રહ્યું છે. આના કારણે ભારતીય કંપનીઓ માર્કેટમાંથી ગાયબ થઇ રહી છે. આના કારણે સ્થાનિક મેન્યુફેક્ચર્સને મોટો ફટકો પડ્યો છે. ઇન્ડસ્ટ્રી કારોબારીઓ અને રિટેલર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, નોકરી ગુમાવી દેનાર મોટાભાગના લોકો ઇનશોપ પ્રમોટર હતા જે રિટેલ અને ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસનો હિસ્સો તરીકે રહ્યા છે. ફોન વેચનાર નામી રિટેલ દુકાનોના બંધ થવાથી આ પ્રકારની સ્થતિ સર્જાઈ ગઈ છે. કેટલીક બ્રાન્ડ હવે પ્રોફિટ ઉપર ધ્યાન આપી રહી છે. આ કારણસર રિટેલ ખર્ચમાં ઘટાડો થઇ રહ્યો છે. માઇક્રોમેક્સ અને ઇન્ટેક્સ જેવી કંપનીઓએ મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટમાંથી મોટી સંખ્યામાં લોકોને છુટા કરી દીધા છે.