ભારત-સાઉથ આફ્રિકાની ટેસ્ટ મેચમાં અત્યાર સુધી તો કોઇ પ્રકારની સ્લેજિંગ જોવા મળી નહોંતી, પરંતુ ભારતીય બેટ્સમેનનું કહેવું છે કે, સાઉથ આફ્રિજાએ તેનો પ્રયત્ન જરૂર કર્યો છે. પુણે ટેસ્ટનો પહેલો દિવસ પૂરો થયા બાદ ચેતેશ્વર પુજારાએ તેનો ખુલાસો કર્યો.

પુજારાએ કહ્યું કે સાઉથ આફ્રિકાના ફાસ્ટ બૉલર રબાડાએ તેની સળી કરી હતી. જોકે તેણે રબાડા પર ધ્યાન ન આપ્યું અને ફિફ્ટી મારવામાં સફળ રહ્યો.

ઉલ્લેખનિય છે કે પુજારા 58 રને આઉટ થયો ત્યાર બાદ રબાડાએ સળીના અંદાજમાં કઈંક કહ્યું. કદાચ તે તેની હતાશા દૂર કરવા ઇચ્છતો હતો, કારણકે નસીબે પુજારાને સાથ આપ્યો હતો. પુજારાએ હજી ખાતુ પણ નહોંતુ ખોલ્યું ત્યાં રબાડાના રડા પર જ તેને જીવતદાન મળ્યું હતું. ટેમ્બા બાવૂમાએ તેનો કેચ છોડ્યો હતો.

પુજારાને જ્યારે પૂછવામાં આવ્યું કે રબાડાએ શું કહ્યું હતું ત્યારે તેણે કહ્યું, ‘મને યાદ નથી, પરંતુ તે એવો બૉલર છે, જે બેટ્સમેનને કઈંક ને કઈંક કહેતો જ રહે છે. મને ખબર જ હતી કે, રબાડા મારી એકાગ્રતા તોડવાનો પ્રયત્ન કરશે.’

પુજારાએ કહ્યું કે, માત્ર રબાડા જ નહીં, બીજા બૉલરો પણ સળીઓ કરતા રહે છે, એટલે મારો પ્રયત્ન એ જ રહે છે કે, હું તેમની વાતો ન સાંભળી શકું. ઉલ્લેખનિય છે કે, પૂજારાએ તેની 72મી ટેસ્ટ મેચ રમતાં 22 મી અડધી સદી મારી.

ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલે 108 રનની જબરજસ્ત ઈનિંગ રમી. દિવસ પૂરો થયો ત્યાં સુધીમાં ત્રણા વિકેટે ભારતે 273 રન બનાવ્યા હતા. કેપ્ટન કોહલી 30 અને આજિંક્ય રહાણે 18 રને ક્રીઝ પર હતા.