માસ્ક નહિ પહેરી ઊલટાનું પોલીસને લાફો મરનાર યુવકને કોર્ટે રૂ. દસ હજાર ભરાવડાવ્યા
અમદાવાદ, તા.૧૨
શહેરના અખબારનગર સર્કલ પાસે કાર રોકી માસ્ક પહેર્યા વિના કાર ચલાવતા યુવકને આંતરી દંડ ભરવા કહેનાર ટ્રાફિક પોલીસને લાફો ઝીંકી દઈ ટ્રાફિક બૂથમાં તોડફોડ કરવાના ચકચારી કેસમાં પકડાયેલા આરોપી યુવક મિરાજ ત્રિવેદીને અત્રેના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ. એમ. ગોવાની એ સબકના ભાગરૂપે અરજદાર યુવકને રૂપિયા દસ હજાર કોર્ટમાં જમા કરાવવાનો હુકમ કર્યો હતો અને તેને રૂપિયા પંદર હજારના શરતી જામીન પર મુકત કરવા હુકમ કર્યો હતો.
માસ્ક નહી પહેરી કોરોના ની ગાઇડ લાઇનનો ભંગ કરવા છતાં ઊલટાનું ટ્રાફિક પોલીસને લાફો ઝીંકી દઈ ટ્રાફિક બુથમાં તોડફોડ કરવાના કેસમાં આરોપી યુવક મિરાજ ત્રિવેદી તરફથી કરાયેલી જામીન અરજીમાં એડવોકેટ પ્રતીક કે. નાયક અને વૈભવ સેવક તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદારનો ટ્રાફિક પોલીસને મારવાનો કે સરકારી ફરજમાં રૂકાવટ પેદા કરવાનો કોઈ બદ ઇરાદાપૂર્વક નો ઈરાદો ન હતો. અરજદાર દંડ ભરવાનું પણ ચૂક્યા નથી કારણ કે ટ્રાફિક પોલીસના આગ્રહ બાદ તેણે તેના પિતા ને મોબાઈલ પર વાત કરી મોબાઈલ મારફતે ઓનલાઇન પેમેન્ટ કરી રૂપિયા ૧૦૦૦નો દંડ જમા કરાવ્યો છે, તેથી દંડ નહી ભરવાનો પણ અરજદારનો કોઈ ઈરાદો નહોતો. અલબત્ત ટ્રાફિક પોલીસ સાથે થયેલી તકરાર દરમિયાન ઉશ્કેરાટમાં તેનાથી આ પગલું લેવાયું છે બાકી સમગ્ર કેસમાં અરજદારની બીજી કોઈ જ મનષા કે ઈરાદો ન હતા. વળી અરજદાર પોતે 24 વર્ષીય યુવક છે અને ભૂતકાળમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા નથી ત્યારે કોર્ટે અરજદારની જેન્યુઈન હકીકતો ધ્યાને લઇને તેને શરતી જામીન પર મુક્ત કરવો જોઈએ. અરજદાર યુવક તરફથી એડવોકેટ પ્રતિક નાયક અને વૈભવ સેવકની દલીલોને ગ્રાહ્ય રાખી ને કોર્ટે આરોપી યુવકને ૧૫ હજારના શરતી જામીન આપ્યા હતા પરંતુ સાથે સાથે તેને રૂપિયા 10,000 કોર્ટમાં જમા કરાવવા પણ હુકમ કર્યો હતો.
કોરોના મહામારી ના કારણે હાલ પ્રવર્તી રહેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર લોકોને ફરજીયાત પણે માસ્ક પહેરવા માટે કાર્યવાહી કરી રહી છે ત્યારે તાજેતરમાં જ શહેરના અખબાર નગર સર્કલ પાસે પોતાની માતાને લઈને કારમાં માસ્ક પહેર્યા વિના પસાર થતા સ્થાનિક ટ્રાફિક પોલીસે યુવકની કારણે આંતરી હતી અને તેણે માસ્ક નહિ પહેર્યું હોવાથી રૂપિયા એક હજાર દંડ ભરી દેવા તાકીદ કરી હતી પરંતુ આ વાત સાંભળી યુવકનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. યુવકે પોલીસને અપશબ્દો બોલી માસ્કનો દંડ હું ભરવાનો નથી, રૂપિયા મફતમાં નથી આવતા તેમ કહી ટ્રાફિક બુથમાં તોડફોડ કરી હતી. બાદમાં યુવક અને તેની માતા બૂથમાંથી બહાર આવી ગયા હતા. પોલીસ જવાને દંડ ભરવાનું કહેતા યુવકે પોલીસ જવાનને લાફો મારી દીધો હતો. જેને પગલે અખબારનગર વાડજ ખાતે ફરજ બજાવતા ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ ધરમવીર રતિલાલએ વાડજ પોલીસ સ્ટેશનમાં 24 વર્ષીય મીરાજ હસિતભાઈ ત્રિવેદી અને તેની માતા હેતલબહેન ત્રિવેદી એમ બન્ને ( રહે, સક્ત વેલી, સત્યમેવ હોસ્પિટલ પાછળ, ચાંદખેડા ) વિરુધ્ધ ફરજ પર રહેલા સરકારી કર્મચારી હર હુમલો કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવે પોલીસ બેડામાં પણ ભારે ચકચાર જગા વી હતી.