– આરોપીઓ સ્વખુશીથી ટેસ્ટ માટે તૈયાર થયા છે, તેથી પરવાનગી આપવામાં આવે છેઃ કોર્ટ
– અમે નિર્દોષ છીએ, તપાસમાં સહકાર આપવા તૈયાર- ગૌરવ,રૂષભ, યામીની
અમદાવાદ: બહુચર્ચીત સેટેલાઇટ ગેંગ રેપ પ્રકરણમાં તથ્યા બહાર લાવવા પોલીસ મથી રહી છે. પરંતુ સફળતા મળી રહી નથી. જેથી પોલીસ આરોપીઓની પણ ધરપકડ કરી રહી નથી. ત્યારે આ પ્રકરણમાં સત્ય બહાર લાવવા માટે પોલીસે ગૌરવ, રૂષભ અને યામીનીના નાર્કો,પોલીગ્રાફી અને લાઇડિટેક્શન ટેસ્ટ માટે અરજી કરી હતી. જેમાં ત્રણે આરોપીઓએ નિર્દોષ હોવાનું તથા તપાસમાં સહકાર આપવા તૈયાર હોવાની સમંતી કોર્ટ સમક્ષ આપી હતી. જેથી એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એન.પી.રાડીયાએ ત્રણેના નાર્કો, પોલીગ્રાફી અને લાઇડિટેક્શન ટેસ્ટની મંજૂરી આપી છે. આ સાથે જ કોર્ટે દોઢ પાનાના ચુકાદામાં એવી નોંધ કરી હતી કે, આરોપીઓ સ્વખુશીથી ટેસ્ટ માટે તૈયાર થયા છે ત્યારે પરવાનગી આપવામાં વાંધો નથી.
ગેંગરેપનો જેમીન પર આરોપ મુકવામાં આવ્યો છે તે ગૌરવ દાલમિયા, રૂષભ મારુ અને યામીનીને પોલીસે તપાસ માટે બોલાવ્યા હતા. જેથી ત્રણે મહિલા ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થઇ ગયા હતા. ત્યારબાદ મહિલા ક્રાઇમબ્રાન્ચના એડિશનલ ડીસીપી પન્ના મોમાયા ત્રણેને લઇ કોર્ટમાં પહોંચ્યા હતા. તેમણે 23નંબર એડિશનલ ચીફ કોર્ટમાં ત્રણે આરોપીઓના નાર્કો, પોલીગ્રાફી અને લાઇડિટેક્શન ટેસ્ટની મંજૂરી માગતી અરજી કરી હતી. અરજી અંગે એવી રજૂઆત કરી હતી કે, ગેંગ રેપ જેવો ગંભીર ગુનો છે, આ મામલે તપાસ જારી છે પરંતુ હકીકતો અને સત્ય બહાર આવી રહ્યું નથી. જુદા જુદા મુદ્દે વિરોધાભાષ આવી રહ્યો છે. ત્યારે આરોપીઓની વૈજ્ઞાનિક-ફોરેન્સિક ઢબે તપાસ થાય તો ખરેખર શું હકીકત છે તે બહાર આવી શકે તેમ છે જેથી ત્રણે ટેસ્ટ કરવા કોર્ટે મંજૂરી આપવી જોઇએ.
આવી રજૂઆત બાદ કોર્ટે ગૌરવ, રૂષભ અને યામીનીની ટેસ્ટ અંગે પુચ્છા કરી હતી. જેમાં ત્રણેએ જણાવ્યું હતું કે, અમે નિર્દોષ છીએ, ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે, તપાસમાં સહકાર આપવા તથા તમામ ટેસ્ટ માટે તૈયાર છીએ. જેથી કોર્ટે સાંજે ત્રણેના નાર્કો, પોલીગ્રાફી અને લાઇડિટેક્શન ટેસ્ટને મંજૂરી આપી દીધી છે.