
સુરતના ભીમરાડ વિસ્તારમાં આવેલી શિવ રેસીડેન્સીના રહીશો માટે રાહતના સમાચાર આવ્યા છે. બાજુમાં ચાલી રહેલા બાંધકામને ડી વોલ તૂટી પડવાના કારણે મુશ્કેલીમાં મુકાયેલા 192 પરિવારો માત્ર ચાર જ દિવસમાં પોતાના ઘરે પરત ફર્યા છે. તંત્ર દ્વારા રાત-દિવસ મહેનત કરીને કામગીરી પૂર્ણ કરતાં રહીશોએ હાશકારો અનુભવ્યો છે.શરૂઆતમાં આ સમારકામ અને ભયજનક સ્થિતિને સુધારવા માટે 15 દિવસનો સમય લાગવાનો અંદાજ લગાવાયો હતો. પરંતુ શિવ રેસીડેન્સીના રહીશોની હાલત જોઈને તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. અધિકારીઓ અને કર્મચારીઓએ રાત-દિવસ એક કરીને રિપેરિંગની કામગીરી પૂર્ણ કરી હતી.તંત્રની આ ઝડપી અને અસરકારક કામગીરીના પરિણામે જે કામમાં પખવાડિયું નીકળી જાય તેમ હતું, તે કામ માત્ર 4 દિવસમાં પૂર્ણ થયું છે. સુરક્ષાની ખાતરી થયા બાદ તમામ 192 પરિવારોને તેમના ઘરે પરત મોકલવામાં આવ્યા છે, જેથી સોસાયટીમાં ફરીથી ખુશીનો માહોલ છવાયો છે.સુરતના ભીમરાડના ટીપી સ્કીમ નંબર 42 (ભીમરાડ) એફપી નં.60માં નિર્માણાધીન ત્રણ બેઝમેન્ટ, ગ્રાઉન્ડ વત્તા 13 માળના રેસીડેન્સ કમ કોમર્શિયલ પ્રોજેક્ટ ‘વિવાન’માં ત્રણ બેઝમેન્ટ કામગીરી દરમિયાન અચાનક માટી ધસી પડી અને ડી વોલ ધડાકાભેર તૂટી પડી હતી. આ ઘટના બની તેની 25 ફૂટ નજીક શિવ રેસીડન્સી આવી છે તેની પાર્કિંગની દિવાલ અને શેડ તૂટી પડ્યા હતા. શિવ રેસીડન્સીના ફ્લેટ ધારકો છતાં ઘરે બે ઘર થતા ભારે હોબાળો થયો હતો. મંગળવારે રાત્રે અને આજે બપોરે શિવ રેસીડન્સીના ફ્લેટ ધારકોએ રસ્તા રોકવા સાથે ન્યાયની માંગણી કરી હતી. સમગ્ર ઘટના અંગે રાજ્ય સરકારને જાણ થતા રાજ્ય સરકારે પાલિકા તંત્ર પાસે ઘટના નો અહેવાલ મંગાવતા પાલિકા તંત્ર દોડતું થયું હતું.


