
જિલ્લામાં રીંછની પજવણી કરવાનો વીડિયો વાયરલ થયા બાદ ફોરેસ્ટ વિભાગ એકશનમાં આવ્યું છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા ગણતરીના કલાકોમાં 2 શખ્સોની અટકાયત કરી RFO સહિતના અધિકારીઓની ટીમ દ્વારા આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી. બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં ગાંગુવાડા નજીક રોડ પર એક રીંછની પજવણી કરવામાં આવી હતી. રીંછને રોડ પર દોડાવીને પાછળ ગાડી ભગાડી અને અને હોર્ન વગાડી વગાડીને રીંછને ભગાડવામાં આવતું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ વન વિભાગ એક્શનમાં આવ્યું હતું. RFO સહિતના અધિકારીઓની ટીમ દ્વારા આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી. રીંછની પજવણી કરનારા 2 શખ્સોની વન વિભાગે અટકાયત કરી લીધી છે, 2 શખ્સોની અટકાયત કરીને ફોરેસ્ટ વિભાગે દાંતીવાડા પોલીસ મથકને સોંપ્યા હતા. આ સમગ્ર મામલે પકડાયેલા શખ્સો સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. બંને શખ્સોમાં વિદેશકુમાર ઈન્દ્રભાઈ નટ ગાંગુવાડા, કરસનભાઈ વરધાજી માળી પાંસવાળ જેઓ દાંતીવાડના રહેવાસી છે. પોલીસે બંને વિરુદ્ધ વન્ય પ્રાણી સરક્ષણ અધિનિયમ 1972ની કલમ 2,9, 39,51 અને 52 હેઠળ ગુનો નોંધ્યો છે.સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા વિડીઓમાં આ ભયભીત થયેલું રીંછ ગાડી આગળ દોડતું જોવા મળ્યું હતું. જોકે પાછળ આ બંને શખ્શોએ ગાડી દોડાવીને તેની પજવણી કરી હતી, એટલું જ નહીં તેનો વિડીયો બનાવીને પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ વિડીઓ વોટ્સએપના 15થી વધુ ગ્રુપમાં અને ફેસબુક ઉપર વાયરલ થયો હતો, ત્યારે ટેકનિકલ સર્વેલન્સના આધારે વન વિભાગની ટીમે મૂળ સ્ત્રોત સુધી પહોંચીને બંને શખ્સોને ઝડપીને કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ, બંને શખ્સોને કોર્ટમાં રજૂ કરાતા જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે.


