ગાંધીનગર,: ગુજરાતમાં 11મી જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 માટે શાળાઓના ક્લાસ રૂમ શરૂ થયા બાદ સરકાર ધોરણ 9 અને 11 માટે પણ સ્કૂલો ખોલવા વિચારણા ચાલી રહી હતી. અગાઉ એવું ચર્ચાઈ રહ્યું હતું કે આગામી સોમવારથી આ બંન્ને ધોરણ માટે શાળાઓ શરૂ કરવી કે નહીં? તે મુદ્દે આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું છે.ધોરણ 9 અને 11 માટે પણ સ્કૂલો ખોલવા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક નિવેદન આપ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ધોરણ – 9 અને 11ની શાળા શરૂ કરવા વિચારણા ચાલી રહી છે.
જેની આગામી 27 જાન્યુઆરીએ મળનારી કેબિનેટ મીટિંગમાં ચર્ચા કરાશે. ચર્ચા કર્યા બાદ શાળા શરૂ કરવા અંગે આખરી નિર્ણય લેવાશે. ભૂપેન્દ્રસિંહે વધુમાં જણાવ્યું હતું કે શાળામાં ન્યૂ નોર્મલની સ્થિતિ જોવા મળી રહી છે. જેના કારણે આગામી મીટિંગમાં ધો.9 અને 11 માટે સ્કૂલો ખૂલી શકે છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કર્યા બાદ વિદ્યાર્થી, વાલીઓ, શિક્ષકો અને શાળા સંચાલકો તેમજ અધિકારીઓ સ્તરેથી ફિડબેક માંગવામાં આવ્યા હતા. શિક્ષણમંત્રી, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે ચર્ચા કર્યા બાદ હવે આગામી સમયમાં ધો.9 અને 11 માટે નિર્ણય લેવાશે. શિક્ષણ વિભાગના ટોચના અધિકારીઓએ મોડામાં મોડા ફેબ્રુઆરી મહિનાના આરંભથી ધોરણ 9 અને 11 માટે શાળાઓ શરૂ કરવાની તૈયારી કરી લીધી છે. જેથી 25 જાન્યુઆરીને સોમવાર પછી અથવા તો પહેલી ફ્રેબુઆરીને સોમવારથી ધોરણ 9 અને 11 માટે સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લેવાઇ શકે છે.