વિનય શાહ અને તેની પત્ની એકના ડબલ કરવાની લાલચ આપી આશરે એક લાખ લોકોને રૂ.260 કરોડનો ચુનો ચોપડી ફરાર થઇ ગયા છે. ગઇકાલે આ કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી હતી. ત્યાર બાદ સીઆઇડી ક્રાઇમે આજે વિનય શાહની આર્ચરકેર કંપનીની થલતેજ સ્થિત ઓફિસની તપાસ કરવા માટે પહોંચી હતી.
DGPએ CIDની SITને તપાસ સોંપતાં CPની SITનું સુરસુરિયું થયું હતું
ગઇકાલે ગૃહ વિભાગે શહેર પોલીસ કમિશનરને આ સમગ્ર કૌભાંડનો રિપોર્ટ તાત્કાલિક આપવા કહ્યું હતું. જેને પગલે કમિશ્નરે તાત્કાલિક અસરથી સેકટર એકના જેસીપીની અધ્યક્ષતામાં કૌભાંડની તપાસ માટે એસઆઇટીની નિમણૂંક કરી હતી. જો કે કમિશ્નરની આ જાહેરાતની માત્ર બે કલાકમાં જ ગાંધીનગરથી ગૃહમંત્રી પ્રદિપસિંહે છેતરપિંડીના આ કૌભાંડની તપાસ CID ક્રાઇમને સોંપવામાં આવી હોવાના DGના નિર્ણયની જાહેરાત કરી હતી. 260 કરોડની છેતરપિંડી કરી એક લાખ રોકાણકારોને નવડાવનારા વિનય શાહે ભાગતા પહેલાં લખેલી ચિઠ્ઠીમાં પોલીસ તંત્રને જંગી રકમ આપ્યો હોવાનો આક્ષેપ છે,તેને ગંભીરતાથી લઇ ગૃહવિભાગે જ અમદાવાદના પોલીસ તંત્રને બદલે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપતા અમદાવાદ પોલિસની વિશ્વસનીયતા સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે.