ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા
વેસ્ટ ઇન્ડીઝે 5 મેચોની T20 સિરીઝ 3-2થી જીતી હતી
વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચમી અને નિર્ણાયક T20 મેચમાં ભારતને 8 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે વિન્ડીઝને 166 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને વેસ્ટ ઈન્ડિઝે 18 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને સરળતાથી હાંસલ કરી લીધો હતો. વરસાદે મેચમાં ઘણી વખત વિક્ષેપ પાડ્યો હતો. રોવમેન પોવેલના નેતૃત્વમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે પાંચ મેચની T20 સિરીઝ 3-2થી જીતીને ઈતિહાસ રચ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે 17 વર્ષમાં પ્રથમ વખત ભારત સામે સિરીઝ જીતી છે.
બ્રેન્ડન કિંગની શાનદાર ઇનિંગ
લક્ષ્યનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખરાબ રહી હતી. કાયલ મેયર્સ (10) બીજી ઓવરમાં જ અર્શદીપનો શિકાર બન્યો હતો. અહીંથી બ્રાંડન કિંગ અને નિકોલસ પૂરને ઇનિંગ સંભાળી અને બીજી વિકેટ માટે 107 રન જોડ્યા. પુરને 35 બોલમાં 47 રન બનાવ્યા હતા. તેણે 1 ચોગ્ગો અને 4 છગ્ગા ફટકાર્યા હતા. પુરનને 14મી ઓવરમાં તિલક વર્માએ આઉટ કર્યો હતો. આ પછી કિંગ અને શાઈ હોપે 52 રનની અતૂટ ભાગીદારી કરી હતી. કિંગે 55 બોલમાં 5 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 85 રન બનાવ્યા હતા. હોપ 13 બોલમાં 22 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. તેણે 1 ચોગ્ગો અને 1 છગ્ગો ફટકાર્યો હતો.
ભારતની નિરાશાજનક શરૂઆત
આ પહેલા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે 165 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે 45 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 61 રનની ઇનિંગ રમી હતી. તિલક વર્માએ 18 બોલમાં 27 રનનું યોગદાન આપ્યું હતું. તેણે 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ બે સિવાય કોઈ ભારતીય ખેલાડી 15નો આંકડો પાર કરી શક્યો ન હતો. ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતી ભારતીય ટીમે નિરાશાજનક શરૂઆત કરી હતી. ત્રીજી ઓવર સુધી યશસ્વી જયસ્વાલ (5) શુભમન ગિલ (9) પેવેલિયન પરત ફર્યા હતા. સૂર્યા અને તિલકે ત્રીજી વિકેટ માટે 49 રનની ભાગીદારી કરીને ભારતને 60 રનની પાર પહોંચાડી દીધું હતું. તિલક આઠમી ઓવરમાં આઉટ થયો હતો.
રોમારિયો શેફર્ડે ચાર વિકેટ મેળવી
સંજુ સેમસન (13) અને કેપ્ટન હાર્દિક પંડ્યા (14) કંઈ ખાસ કરી શક્યા ન હતા. સૂર્યા 18મી ઓવરમાં એલબીડબલ્યુ થયો હતો. અર્શદીપ સિંહ (8) અને કુલદીપ યાદવે (0) 19મી ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. અક્ષર પટેલ (13) છેલ્લી ઓવરમાં આઉટ થયો હતો. વેસ્ટ ઈન્ડિઝ માટે રોમારિયો શેફર્ડે ચાર જ્યારે અકીલ હુસૈન અને જેસન હોલ્ડરે બે-બે વિકેટ લીધી હતી. પ્રથમ બે મેચ હાર્યા બાદ ભારતે જોરદાર વાપસી કરી હતી. ભારતે શનિવારે ચોથી T20 મેચ 9 વિકેટે જીતી લીધી હતી પરંતુ ભારતીય ટીમને પાંચમી મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.