
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક ગેરકાયદેસર બાંધકામ ઉપર હવે બુલડોઝર ફેરવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક ગેરકાયદેસર પાંચ જેટલી હોટલો તોડી પાડવામાં આવી છે.ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ખેરડી ગામે ત્રણ હોટલો ઉપર બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું છે. 2001 થી ગેરકાયદે રીતે સરકારી જમીન ઉપર બાંધકામો કરવામાં આવ્યા હતા અને 03 જેટલી હોટલો ખડકી દેવામાં આવી હતી.આ ઉપરાંત 12 દુકાનો અને પોતાના માટે હોટલ માલિકો દ્વારા ઘોડાઓ રાખી અને સરકારી જમીન ઉપર તબેલા બનાવી નાખવામાં આવ્યા હતા. હોટલમાં કામ કરતા કારીગરો માટે ક્વાર્ટર પણ બનાવવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ સમગ્ર બાંધકામ સરકારી ખરાબાની જગ્યા ઉપર કરવામાં આવ્યું હતું.આ મુદ્દે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા શિવ લહેરી પરોઠા હાઉસ, વીર વછરાજ હોટલ અને પટના બિહાર બલવીર હોટલ તેમજ પાંચ હોટલ સ્ટાફ ક્વાર્ટર અને ચાર મકાનો તોડી પાડવામાં આવ્યા છે.સરકારી જમીન ઉપર કબજો જમાવી અને આ સમગ્ર બાંધકામ કરી અને સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હોવાથી ચોટીલા પ્રાંત અધિકારીએ બુલડોઝર ફેરવી નાખી વધુ તપાસ અને દબાણ કરતાં સામે લેન્ડ ગ્રેબિંગ અંગેની કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે.


