કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી છેલ્લા થોડા સમયથી મોદી સરકાર પર તીખા પ્રહારો કરી રહ્યા છે. પછી તે મોંઘવારીના મુદ્દે હોય કે કર્ણાટકમાં સરકાર બનાવવા મુદ્દે. રાહુલ તરફથી સતત અપાતી ચેલેન્જ પર કેંદ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પલટવાર કર્યો છે. શુક્રવારે સુરતમાં સ્મૃતિએ કહ્યું કે, “રાહુલ અમારા અધ્યક્ષ અમિત શાહ સહિત કોઈપણ ભાજપ નેતાને ડિબેટ માટે બોલાવી શકે છેવિવિધ મુદ્દા પર રાહુલ ગાંધી પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને ઘેરવાનો પ્રયાસ કરે છે, આ વિષય પર સ્મૃતિએ કહ્યું કે, “પ્રધાનમંત્રી મોદી પોતે જ કહી ચૂક્યા છે કે રાહુલ ગાંધી આગળ આવે અને કોઈપણ મુદ્દા પર અમારી સાથે ચર્ચા કરે. સંસદમાં કે સામે ચાલીને ચર્ચા કરવા આવી શકે છે.”કેંદ્રીય મંત્રી સ્મૃતિએ કહ્યું કે, “સંસદમાં નહીં તો ટેલિવિઝન ડિબેટ માટે આવી શકે છે. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સુધીના દરેક નેતા તેમાં ભાગ લેશે. રાહુલ અમારા પક્ષના કોઈપણ કાર્યકરને પસંદ કરવા માટે સ્વતંત્ર છે. અમે ચર્ચા માટે તૈયાર છીએ. પરંતુ રાહુલ કોઈ પુસ્તક અથવા તો કાગળનો ટુકડો પોતાની સાથે ન લાવે.”સ્મૃતિ ઈરાની પોતાની સરકારના 4 વર્ષની ઉપલબ્ધિઓ ગણાવી રહ્યા હતા. ઈંધણના વધતા ભાવ અંગે સ્મૃતિએ કહ્યું કે, માત્ર ભારત નહીં આખી દુનિયામાં ભાવ વધારાની અસર છે. જણાવી દઈએ કે રાહુલ અને સ્મૃતિ વચ્ચે રાજનીતિક સ્પર્ધા અવારનવાર જોવા મળે છે. રાહુલની સંસદીય સીટ અમેઠીમાંથી સ્મૃતિ 2014માં ચૂંટણી લડ્યા હતા. સાથે અવારનવાર અમેઠી જઈને ત્યાંના સ્થાનિકો વચ્ચે પોતાની છાપ છોડવાની કોશિશ કરે છે.