સોમવારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં વરસાદ આવી પહોંચ્યો. વરસાદ આવતાની સાથે જ મુંબઈકરોને ગરમીમાંથી રાહત મળી છે, પણ આગામી દિવસોમાં મુંબઈમાં મેઘ તાંડવ કરે તેવી શક્યા દર્શાવવામાં આવી રહી છે. 8 જૂનથી 10 જૂન દરમિયાન ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. રિપોર્ટ્સ મુજબ આ અઠવાડિયા દરમિયાન વરસાદ જૂના રેકોર્ડ તોડી શકે છે. ત્યારે મુંબઈકરો માટે આગામી અઠવાડિયું કષ્ટદાયક સાબિત થઈ શકે છે. દર વખતેની જેમ વરસાદને કારણે ઠેર-ઠેર પાણીના ભરાવાની સમસ્યા શહેરીજનોની મુશ્કેલી વધારી શકે છે.સોમવારે જ 42mm વરસાદ થતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં જેને કારણે ટ્રાફિક સમસ્યા વિકરાળ બની હતી. ખરાબ વાતાવરણને કારણે મુંબઈ એરપોર્ટ પરથી 18 ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે. વરસાદથી લોકોને રાહત તો મળી પણ જેજે ફ્લાયઓવર, મોહમ્મદ અલી રોડ, મીરા રોડ જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. લોકલ ટ્રેનમાં તકનીકી ખરાબીઓ સામે આવી રહી છે તેવામાં આગામી વિકેન્ડ દરમિયાન ભારે વરસાદની આગાહીને પગલે મુંબઈકરોની પરેશાનીઓ વધી શકે છે.સ્કાયમેટ મુજબ આ વિકેન્ડ દરમિયાન મુંબઈમાં ભારે વરસાદની શક્યતા છે. સ્કાયમેટના સીઈઓ જતિન સિંહે ટ્વીટ કરીને જાણકારી આપી કે 6 જૂનથી શરૂ થતા અઠવાડિયા દરમિયાન ભારે વરસાદ થશે. 8, 9 અને 10 તારીખના રોજ ભારે વરસાદની શક્યતા દર્શાવાય રહી છે. લોકોને ઘરની અંદર જ રહેવાની સલાહ આપવામાં આવી છે.સ્કાયમેટના વાઈસ પ્રેસિડન્ટ મહેશ પાલાવતે જણાવ્યું કે કોંકણ અને ગોવાની ઉપર ચક્રવાત બનતું દેખાઈ રહ્યું છે, જે મહારાષ્ટ્રના તટ પર પહોંચશે. આ કારણે મુંબઈ, રત્નાગિરી, દહાણુ, થાણે અને સિંધુદુર્ગમાં ભારેથી વધુ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 10-11 જૂન દરમિયાન સુરત અે વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે