ગુજરાત પોલીસને શર્મસાર કરતી ઘટના હૈદરાબાદમાં બની. હૈદરાબાદની સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમીમાં ટ્રેનિંગ માટે પહોંચેલા ગુજરાતના IPS ઓફિસરે કથિત રીતે કર્ણાટક કેડરની મહિલા IPSની છેડતી કરી છે. જે બાદ અન્ય કેટલાક IPS ઓફિસરે છેડતી કરનાર ઓફિસરની ધોલાઈ કરી છે.ઉચ્ચ પોલીસના સૂત્રોના મતે, આ અંગેની જાણ તેમની ત્યારે થઈ જ્યારે સંબંધિત અધિકારી સાથે કાયદાનું ઉલ્લંઘન કરવા બાબતે તેમની વાત થઈ. ગુજરાતના સીનિયર પોલીસ ઓફિસરે કહ્યું કે, “લેખિતમાં અમને કોઈ ફરિયાદ મળી નથી. પરંતુ અમને માહિતી મળી છે કે મામલો ઉકેલાઈ ગયો છે.” પોલીસ સૂત્રોના મતે, ગુજરાતના IPS ઓફિસરે ટ્રેનિંગ દરમિયાન મહિલા અધિકારીને અણછાજતો સ્પર્શ કર્યો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે, “મહિલા અધિકારીએ વાંધો ઉઠાવ્યો અને ટ્રેનિંગ પ્રોગ્રામમાં રહેલા તેના બેચમેટ્સને જાણ કરી. જે બાદ મહિલા અધિકારીના બેચમેટ્સે ગુજરાત કેડરના પોલીસ સાથે મારપીટ કરી. ગુજરાત કેડરના અન્ય પોલીસ અધિકારીઓને મામલો શાંત પાડતાં સમય લાગ્યો. જો કે રાજ્યમાં સીનિયર IPS ઓફિસરની મધ્યસ્થીથી મામલો આખરે થાળે પડ્યો.”વિશ્વસનીય સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, મહિલા પોલીસ અધિકારીએ ફરિયાદ દાખલ કરવાનું તેમજ ગુજરાતના ગૃહ વિભાગને ગુજરાતના પોલીસ અધિકારીની ગેરવર્તણૂક અંગે પત્ર લખવાનું નક્કી કરી દીધું હતું. પરંતુ ગુજરાતના સીનિયર પોલીસ અધિકારીઓની સજાવટ બાદ મામલો શાંત થઈ ગયો છે.