નવી મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં ગત રવિવારની જાહેર રજા બાદ ગઈકાલે સોમવારે માથાડી કામદારોની વિવિધ માગણીના અનુસંધાનમાં કામદારોએ પ્રતિક બંધ પાળ્યો હોવાથી બજાર બંધ રહી હતી. આમ સતત બે દિવસનાં બંધ બાદ આજે હાજરમાં રિટેલ સ્તરની અને નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની અપેક્ષિત માગનો વસવસો રહેતાં હાજરમાં તેમ જ નાકા ડિલિવરી ધોરણે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે સ્થાનિકમાં અંદાજે ૩૦થી ૩૨ ટ્રકની આવક સામે રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી જળવાઈ રહી હતી. તેમ છતાં બે દિવસના બંધની સરખામણીમાં એકંદરે માગ ઓછી રહેતાં આવક સામે ઉપાડ જળવાઈ રહ્યો હતો. તેમ જ હાજરમાં સ્મોલ તથા મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર અનુક્રમે ક્વિન્ટલે રૂ. ૩૧૮૨થી ૩૨૫૬માં અને રૂ. ૩૨૪૨થી ૩૪૯૦માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા. વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે પણ ખાસ કરીને વપરાશકાર ઉદ્યોગની માગ મર્યાદિત રહી હતી. તેમ જ સ્થાનિક ડીલરોની પણ લેવાલી છૂટીછવાઈ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૧૬૦થી ૩૨૧૦માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૨૧૦થી ૩૨૬૦માં ગુણવત્તાનુસાર થયા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર આજે મહારાષ્ટ્રની ખાંડ મિલો પર સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડર ક્વિન્ટલે રૂ. ૩૦૫૦થી ૩૧૦૦ આસપાસના મથાળે જવાની ધારણા મુકાઈ રહી હતી.