અમદાવાદ : રાજ્યમાં કોરોના વાઇરસની રસી માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં એક હજારથી વધુ રસી કેન્દ્ર ઊભાં કરવાની તૈયારી આદરવામાં આવી છે. એ ઉપરાંત રાજ્યમાં 43 સ્થળે વેક્સિન રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં હાલમાં કોવિડ વેક્સિન ટ્રાયલ ચાલી રહી છે. કોરોનાની રસી આપવા માટે રાજ્યમાં 13 ડિસેમ્બર સુધી સરવે કરવામાં આવ્યો હતો. આ સરવેમાં આજદિન સુધી 50 વર્ષથી વધુની વયના 70 લાખ નાગરિકોનાં નામની નોંધણી થઈ છે. એ ઉપરાંત હજી આરોગ્ય વિભાગનો આ સરવે 23 ડિસેમ્બર સુધી ચલાવવામાં આવશે.
ભારત બાયોટેક કંપની દ્વારા બનેલી કોરોના વેક્સિનની ટ્રાયલ વિશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલને ભારત બાયોટેક કંપનીમાંથી બનેલી કોરોના વેક્સિનની ટ્રાયલ માટે પસંદગી કરવામાં આવી છે. પ્રથમ ટ્રાયલ અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં 500 વેક્સિનના ડોઝ મોકલવામાં આવ્યા હતા. સ્વયંભૂ વેક્સિન ટ્રાયલ લેવા ઇચ્છતા સંપૂર્ણપણે સ્વસ્થ વ્યક્તિઓ, યુવાનોને આ વેક્સિન ટ્રાયલની પ્રાથમિક પ્રસંદગી કરવામાં આવી હતી, જેમાંથી 450 જેટલી વ્યક્તિને વેક્સિન ટ્રાયલનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ 450 વ્યક્તિમાંથી એકપણ વ્યક્તિને વેક્સિન ટ્રાયલની આડઅસર થવાનો કેસ નોંધાયો નથી.