કેનેડાઃ બલૂચિસ્તાન એક્ટિવિસ્ટ કરીમ બલોચ રવિવાર બપોરે ગુમ થઈ હતી, ટોરેન્ટોમાં સંદિગ્ધ સ્થિતિમાં મળ્યો મૃતદેહ
ઈસ્લામાબાદઃ પાકિસ્તાની સરકાર (Imran Khan Govt) અને સેના (Pakistani Army)ની વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય મંચો પર અવાજ બુલંદ કરનારી બલૂચિસ્તાન (Balochistan)ની એક્ટિવિસ્ટ કરીમા બલોચ (Karima Baloch)નું કેનેડા (Canada)માં સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત થયું છે. કરીમા રવિવારે ગુમ થઈ ગઈ હતી અને તેની શોધખોળ કરવામાં આવી રહી હતી. કરીનાનું શબ ટોરેન્ટો (Toronto)થી મળી આવ્યું છે. હાલ કરીમાના મોતનું કારણ સ્પષ્ટ નથી થઈ શક્યું પરંતુ તેની પાછળ પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી ISIનો હાથ હોવાની વાત સામે આવી રહી છે. કરીમા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને ભાઈ માનતી હતી અને 2016માં રક્ષાબંધન નિમિત્તે તેણે વડાપ્રધાનને રાખડી પણ મોકલી હતી.
CNN મુજબ, કરીમા બલોચ રવિવાર સાંજથી ગુમ થઈ હતી અને ત્યારથી પોલીસ તેની તલાશ કરી રહી હતી. તે બપોરે ત્રણ વાગ્યે છેલ્લી વાર જોવા મળી હતી. ત્યારબાદ એક અજાણ્યા વ્યક્તિની સાથે તે જતા જોવા મળી હતી. કરીમાના પરિવારે તેનું શબ મળ્યું હોવાની પુષ્ટિ કરી છે. કરીમા બલોચને પાકિસ્તાની સરકાર અને સેનાની વિરુદ્ધ મોટી ટીકાકાર માનવામાં આવતી હતી. કરીમાએ સંયુક્ત રાષ્ટ્રમાં પણ બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના અત્યાચારોની વિરુદ્ધ પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. સંદિગ્ધ સ્થિતિમાં થયેલા તેના મોતને લઈને પાકિસ્તાની સરકાર અને તેની ઇન્ટેલિજન્સ એજન્સી ISI ઉપર પણ સંદેહ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. BBCએ પણ વર્ષ 2016માં કરીમા બલોચને દુનિય ની 100 સૌથી પ્રેરણાદાયક અને પ્રભાવશાળી મહિલાઓમાં એક તરીકે ગણવામાં આવી હતી.
ભારતમાં ક્યારે ચર્ચામાં આવ્યા કરીમા? વર્ષ 2016માં કરીમા બલોચે પીએમ મોદીને ભાઈ ગણાવતા કહ્યું હતું કે, રક્ષાબંધનના દિવસે બલૂચિસ્તાનની એક બહેન ભાઈ માનીને આપને કંઈક કહેવા માંગે છે. બલૂચિસ્તાનમાં અનેક ભાઈ ગુમ છે. અનેક ભાઈ પાકિસ્તાની સેનાના હાથે માર્યા ગયા છે. બહેનો આજે પણ ગુમ ભાઈઓની રાહ જોઈ રહી છે. અમે આપને કહેવા માંગીએ છીએ કે આપને બલૂચિસ્તાનની બહેનો ભાઈ માને છે, આપ બલોચ નરસંહાર, યુદ્ધ અપરાધ અને માનવાધિકાર હનનની વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય મંચો પર બલોચ અને બહેનોનો અવાજ બનો.
કરીમા બલોચ કોણ હતા? કરીમા બલોચ હ્યૂમન રાઈટ એક્ટિવિસ્ટ હતા. તેઓ બલુચિસ્તાનમાં પાકિસ્તાન સેનાના અત્યાચારો સામે સંઘર્ષ કરી રહ્યા હતા. વર્ષ 2016માં પાકિસ્તાની સેના દ્વારા ઉત્પીડનમાંથી બચીને કેનેડા પહોંચી ગયા હતા. કરીમા અહીં શરણાર્થીની માફક રહેતા હતા. તેમને બલુચોની સૌથી મજબૂત અવાજ પૈકી એક માનવામાં આવતા હતા. વર્ષ 2016માં BBCએ તેમને દુનિયાની 100 સૌથી પ્રભાવશાળી મહિલાઓમાં કરીમાનું નામ હતું. તેઓ પાકિસ્તાનમાંથી બલુચિસ્તાનની આઝાદી માટે સંઘર્ષ કરી રહ્યા હતા. કરીમા બલોચ સ્ટુડેન્ટ ઓર્ગેનાઈઝેશન-આઝાદની ભૂતપુર્વ ચેરપર્સન પણ હતા. કેનેડામાં નિર્વાસન સમયે પણ તેઓ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પાકિસ્તાન સરકાર અને સેના દ્વારા બલુચિસ્તાનમાં કરવામાં આવી રહેલા અત્યાચારોને લગતી માહિતી આપતા હતા. લઘુમતીઓ, બલોચ મહિલાઓ પર કરવામાં આવતા અત્યારચારોના મુદ્દા ઉઠાવતા હતા. તેઓ બલુચિસ્તાનમાં થઈ રહેલા અત્યાચારોને લગતા કેસો સ્વિત્ઝર્લેન્ડમાં યોજાયેલ યુનાઈટેડ નેશનના સત્રમાં પણ ઉઠાવી ચુક્યા હતા. તેઓ બલુચિસ્તાનની મુખ્ય મહિલા એક્ટિવિસ્ટ્સ પૈકી એક હતા.
ચીનની શુ દરમિયાનગીરી છે? એશિયા અને પાકિસ્તાનમાં પોતાનો દબદબો યથાવત રાખવા અને ભારત તથા અમેરિકા સામે ટક્કર લેવા માટે ચીન અહીં અનેક કામ કરી રહ્યું છે. ચીન અને પાકિસ્તાન વચ્ચે બની રહેલા ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC)માં બલુચિસ્તાન મહત્વનો વિસ્તાર છે.
CPEC બલુચિસ્તાનના ગ્વાદર બંદરને ચીનના શિનજિયાંગ પ્રાંત સાથે જોડશે. આ બંદરને તૈયાર કરવાનું કામ પણ વર્ષ 2002માં ચીને શરૂ કર્યું હતું. તેને તૈયાર કરવા માટે ચીનથી એન્જીનિયર, અધિકારીઓ તથા શ્રમિકોને લાવવામાં આવ્યા હતા. બલોચ લોકોને તેનાથી બહાર રાખવામાં આવ્યા હતા. અહીંની જમીન પણ અધિકારીઓએ બલોચ લોકો પાસેથી લઈ મોટી કિંમતમાં વેચાણ કરી છે. તેને લીધે અહીં હિંસા શરૂ થઈ ગઈ છે. વર્ષ 2004માં અલગતાવાદીઓના હુમલામાં ત્રણ ચીની એન્જીનિયર માર્યા ગયા હતા. હિંસાને અટકાવવા માટે પાકિસ્તાને વર્ષ 2005માં લશ્કરની મદદ લીધી હતી.
બલુચિસ્તાનમાં અલગતાવાદી અને રાજકીય પક્ષ બન્ને ચીનના આ રોકાણનો ભારે વિરોધ કરી રહ્યા છે. બલોચ અલગતાવાદીઓનું કહેવું છે કે ચીન અહીં આર્થિક યોજના લાવી રહ્યું છે. ચીનના ઉત્પાદનોમાં બલોચ લોકોની સહમતી લેવામાં આવી નથી.
ચીને છેલ્લા બે દાયકામાં અહીં અબજો ડોલરનું મૂડી રોકાણ કર્યું છે, પણ તેને લીધે બલુચિસ્તાનના લોકોને કોઈ જ લાભ મળ્યો નથી. પાકિસ્તાન સરકારે પણ ઘણી કમાણી કરી છે. સ્થાનિક લોકો કહે છે કે પાકિસ્તાન સરકાર પોતાની ઉપર રહેલા દેવાને ઓછું કરવા માટે બલુચિસ્તાનને ચીન સમક્ષ વેચી રહ્યું છે.
બલુચિસ્તાન અંગે ભારતનું શુ વલણ છે?
સ્વતંત્રતા બાદથી ભારત બલુચિસ્તાનના મુદ્દે કંઈ પણ કહેવાથી દૂર રહેતુ હતું કારણ કે તે કોઈ દેશની આંતરિક બાબત હતી. વર્ષ 2016માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટના રોજ તેમના ભાષણમાં બલુચિસ્તાનમાં ચાલી રહેલા સંઘર્ષનો ઉલ્લેઘ કર્યો. અલબત, બલુચિસ્તાનમાં ચાલી રહેલા સંઘર્ષને પાકિસ્તાની સરકાર ભારત પ્રાયોજીત હોવાનું કહે છે.
બલુચિસ્તાનનો ઈતિહાસ શુ છે? અંગ્રેજોના શાસન સમયે બલુચિસ્તાન ચાર ભાગોમાં વહેચાયેલુ હતું. તેમા ત્રણ-મકરાન, લસ વેલા અને ખારન સ્વતંત્રતા બાદ પાકિસ્તાન સાથે ભળી ગયા હતા. પણ કલાતના ખાન યાર ખાને પોતાને સ્વતંત્ર જાહેર કર્યા હતા. 27 માર્ચ 1948ના રોજ પાકિસ્તાન સેનાએ કલાત પર કબ્જો કરી લીધો. ત્યારબાદથી પાકિસ્તાન સામે અલગ-અલગ સમયે આ મુદ્દાને લઈ સતત બલુચિસ્તાનનું પાકિસ્તાની સરકાર તથા સેના સાથે સંઘર્ષ ચાલતો રહ્યો છે. બલુચિસ્તાન આજે પણ પાકિસ્તાનના સૌથી ગરીબ અને સૌથી ઓછી વસ્તી ધરાવતા વિસ્તારો પૈકી એક છે. અનેક દાયકાથી અહીં અલગાવવાદી સક્રિય છે. વર્ષ 2005માં પાકિસ્તાને અલગાવવાદીઓ સામે સૈન્ય અભિયાન પણ ચલાવ્યું હતું. જોકે, સ્થિતિમાં કોઈ પરિવર્તન આવ્યુ નથી.