અમદાવાદ: ઉત્તર ભારતમાં થયેલી ભારે હિમવર્ષાને લીધે ગુજરાતમાં ઠંડીનો ચમકારો વર્તાયો છે. આગામી ત્રણ દિવસમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીની નીચે જવાની શક્યતા છે.ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાથી જનજીવન ઠૂંઠવાઇ ગયું છે. ભારે હિમ વર્ષાથી ઉત્તર ભારતના રાજ્યોમાં તાપમાનમાં પાંચ ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. તો બીજી તરફ હવામાન વિભાગે ઉત્તર ભારમાં કોલ્ડ વેવની પણ આગાહી વ્યક્ત કરી છે, જ્યારે નલિયામાં ઠંડીનો ૩.૨ ડિગ્રી તાપમાન નોધાયું હતુ. જ્યારે ગાંધીનગરમાં ૭.૫, ડિસામાં ૬.૭ ડિગ્રી, રાજકોટમાં ૮.૫, કેશોદમાં ૮ ડિગ્રી, ભૂજમાં ૧૦.૨ અને પોરબંદરમાં ૧૦.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.અમદાવાદમાં મહત્તમ તાપમાનમાં ૦.૨ ડીગ્રીનો વધારો, જ્યારે ૧૩.૪ ડીગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧.૧ ડીગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદમાં ૧૦થી ૧૨ ડિગ્રી વચ્ચે સરેરાશ લઘુતમ તાપમાન રહી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ‘પશ્ર્ચિમ રાજસ્થાનમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. ૨૮થી ૩૦ ડિસેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હાડ થિજાવતી ઠંડી પડશે, જેમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કાતિલ પવનો ફૂંકાઈને ઠંડીનો અહેસાસ થશે. ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન ૭ ડિગ્રી ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ૮ ડિગ્રી તાપમાનની શક્યતા બતાવવામાં આવી છે.