વડોદરાના કરોડિયા ગામમાં રહેતા ખાનગી ટ્યૂશન ક્લાસના સંચાલકે તેમના એકના એક પુત્ર સાથે નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા પહેલાં પતિએ પત્નીને મેસેજ છોડી કહી કહ્યું હતું કે, તે આત્મહત્યા કરવા જઈ રહ્યો છે.ગોરવાના કરોડિયા ગામના 38 વર્ષીય હરીશ પરમાર ધોરણ 5થી 10ના ટ્યૂશન ક્લાસ ચલાવતા હતા. તેમનો એકનો એક 13 વર્ષીય સમર્થ ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. સોમવારે હરીશ પરમારે પત્ની મીતાને કહ્યું હતું કે, તે બહાર જઈ રહ્યો છે. આટલું કહી હરીશ પુત્ર સમર્થને લઈને બહાર જતા રહ્યા હતા.જોકે બાદમાં હરીશે પત્નીના મોબાઇલ પર મેસેજ મોકલ્યો હતો, જેમાં લખ્યું હતું કે, ‘દેવું વધી ગયું હોવાથી હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું.’ પત્નીને મેસેજ કરી હરીશે પુત્ર સાથે મહિસાગર નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું.જોકે પતિએ કરેલો મેસેજ વાંચ્યો ન હોવાથી પત્ની અને અન્ય પરિવારજનો બંનેની મોડી રાત સુધી રાહ જોઈ રહ્યાં હતાં અને આખરે તેમણે ગોરવા પોલીસ સ્ટેશનમાં પતિ-પુત્ર ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસે પણ અરજીના આધારે શોધખોળ શરૂ કરી હતી. જોકે શનિવારે વડોદરા નજીક સિંધરોટ ચેક ડેમ પાસેથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. બંને પિતાપુત્ર ચોથી જૂનથી લાપતા હતા. પોલીસે પ્રાથમિક તપાસમાં આશંકા વ્યક્ત કરી છે કે, હરીશે દેવું વધી જવાને લીધે આ અંતિમ પગલું ભર્યું હોઈ શકે.હજી તો બે દિવસ પહેલાં જ વડોદરાના પરિવારે ઝેરી દવા પીને સામૂહિક આત્મહત્યા કરી હતી. મકરપુરામાં રહેતા 55 વર્ષીય અરવિંદકાંત ત્રિવેદી, તેમનાં પત્ની હિના અને 23 વર્ષના પુત્ર હર્નિલના મૃતદેહ પાવાગઢ-શિવરાજપુર રોડ પર ભાટ ગામ પાસેથી તેમની કારમાંથી મળી આવ્યા હતા