અમદાવાદ: ગુજરાતના પ્રત્યેક જિલ્લા દીઠ એક મેડિકલ કોલેજ સ્થાપવાની રાજય સરકારની કટીબધ્ધતા વ્યક્ત કરતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે બે દાયકા પહેલાં રાજયમાં માત્ર ૯ મેડીકલ કોલેજ અને ૧૦૦૦ જેટલી બેઠકો ઉપલબ્ધ હતી. જયારે આજે ગુજરાતમાં ૩૦થી વધુ મેડીકલ કોલેજો અને ૬૦૦૦ થી વધુ બેઠકો ઉપલબ્ધ બની છે. ગુજરાત આજે મેડીકલ હબ બનવા જઇ રહ્યું છે. એઇમ્સના કારણે ગુજરાતમાં મેડીકલ ટુરીઝમ વધશે અને નવી રોજગારીની તકો ઉપલબ્ધ બનશે. રૂપાણીએ વધુમાં જણાવ્યું હતુ કે, ગુજરાતના લોકોને ગંભીર બિમારીના સમયમાં આરોગ્ય ઉચ્ચ સારવાર માટે ગુજરાત બહાર જવું ન પડે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશીના પરિણામે ગુજરાતને એઈમ્સ પ્રાપ્ત થઈ છે. આરોગ્ય ક્ષેત્રમાં સૌથી મોટી સુવિધા આપનાર આ સંસ્થાનું રાજકોટમાં નિર્માણ થવાથી ગુજરાતના લોકોને આરોગ્ય ક્ષેત્રે ઉચ્ચત્તમ સુપર સ્પેશ્યાલીટી સેવા હવે ઘરઆંગણે મળી રહેશે. એઇમ્સ એ રાજયની આરોગ્યલક્ષી સુવિધાના ક્ષેત્રે યશકલગી સાબિત થશે. ગુજરાતને આરોગ્ય ક્ષેત્રે અદ્યતન સવલતો આપવાના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સુનિયોજિત આયોજનના ભાગરૂપે દેશભરમાં અમલી બનાવાયેલી વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓની ટૂંકી વિગતો આપતા મુખ્ય પ્રધાને જણાવ્યું હતુ કે, ૧૯૫૬ થી ગુજરાતને અન્યાય થતો હતો. જેના કારણે ભૂતકાળમાં એઈમ્સ તથા મેડીકલ કોલેજો જેવી સવલતો ગુજરાતને મળી નહોતી. પરંતુ વડાપ્રધાનના વિઝનના કારણે આજે ગુજરાતને એઈમ્સ તેમજ ૩૦ જેટલી મેડિકલ કોલેજો પ્રાપ્ત થઈ છે.