અમદાવાદ સહિત રાજ્યનાં ચાર શહેરોમાં નાઇટ કરફ્યૂમાં એક કલાકનો ઘટાડો

0
29
Currently, night curfew is implemented in Ahmedabad, Vadodara, Surat and Rajot from 9 pm to 6 am
Currently, night curfew is implemented in Ahmedabad, Vadodara, Surat and Rajot from 9 pm to 6 am

અમદાવાદ: કોરોનાની મહામારીને કારણે ગુજરાતના તમામ પતંગોત્સવ રદ કરવામાં આવ્યા બાદ અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં લદાયેલા રાતના નવથી સવારના છ વાગ્યા સુધીના કરફ્યૂમાં પણ એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારે ૧લી જાન્યુઆરીથી ૯ વાગ્યાને બદલે ૧૦ વાગ્યાથી ૬ વાગ્યાનો કરવાનો નિર્ણય કર્યો છે. આ નાઈટ કર્ફ્યુ ૧૪મી જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. તેમજ વિવિધ શહેર અને જિલ્લામાં યોજાતા પતંગોત્સવ તથા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાશે નહીં. અલગ અલગ ૮ જગ્યાએ પતંગોત્સવ યોજાતા હતા.ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યનાં ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં ૧ જાન્યુઆરી ૨૦૨૧થી રાત્રિ કર્ફ્યૂના અમલનો સમય રાત્રિના ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધીનો કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

ગુજરાત રાજ્યમાં મુખ્ય પ્રધાનના વડપણ હેઠળ કોરોના સંક્રમણની સ્થિતિ અને નિયંત્રણ પર ધ્યાન રાખવા બનેલી કોર કમિટીની બેઠકમાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. છેલ્લા પંદર દિવસથી રાજ્યમાં કોરોનાના નવા કેસોની સંખ્યા ઘટી રહી છે અને સાથોસાથ એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે, તેથી હવે નાઇટ કરફ્યૂનો સમય ઘટાડવાનો નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે. આ ઉપરાંત કરફ્યૂના કારણે મનોરંજન, હોટલ અને કેટલાક વ્યાપારોને ખૂબ મોટું નુક્સાન સહન કરવું પડી રહ્યું છે. અગાઉ આ સ્થળોને છુટ્ટી આપવામાં આવી હતી, પરંતુ ફરી બંધ થતાં તેમને ખોટ જઇ રહી છે. નાતાલથી ઇસુના નવા વર્ષની ઉજવણી દરમિયાન આ તમામ વ્યવસાયો માટે પીક સીઝન રહે છે, પરંતુ એ બંધ રહ્યા હતા. હવે તેમને નુક્સાન વધુ સહન ન કરવું પડે એ માટે કરફ્યૂનો સમય ૯ને બદલે ૧૦ વાગ્યાથી શરૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.