નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત બીજા દિવસે વધારો કરવામાં આવ્યો હતો. તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટરદીઠ ૨૫ પૈસાનો વધારો જાહેર કરાયો હતો. મુંબઇમાં પેટ્રોલના ભાવ વધીને રૂ. ૯૧.૮૦ પ્રતિ લિટર અને ડીઝલના ભાવ વધીને રૂ. ૮૨.૧૩ પ્રતિ લિટર થયા હતા.આ સાથે પેટ્રોલના ભાવ દિલ્હીમાં રૂ. ૮૫.૨૦ પ્રતિ લિટરની નવી ઑલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા હતા. ડીઝલના ભાવ ૨૫ પૈસાના વધારા બાદ રૂ. ૭૫.૩૮ પ્રતિ લિટરની સપાટીએ સ્થિર થયા હતા.એક મહિના સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા બાદ ૬ જાન્યુઆરીથી ઇન્ડિયન ઓઇલ કો. લિ. (આઇઓસી), બીપીસીએલ, એચપીસીએલ જેવી સરકારી તેલ કંપનીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક અને વિદેશી ચલણના ભાવના હિસાબે રોજ ભાવમાં સુધારા કરવા શરૂ કર્યા હતા અને ત્યારથી પેટ્રોલના ભાવમાં રૂ. ૧.૪૯ પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં રૂ. ૧.૫૧ પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો.