રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવા પાસે રામપર બેટીના 70 ફૂટ ઉંચા પુલ પરથી યુટિલિટી વ્હીકલ નીચે ખાબક્યું હતું. જેમાં ચાર વ્યક્તિના મોત નીપજ્યાં હતાં. જ્યારે આશરે પંદર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના પછી પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.રામપર બેટીના પુલ પરથી ટેમ્પો નીચે ખાબકતાં જ આસપાસના ગામલોકો મદદ માટે આવી પહોંચ્યા હતાં. યુટિલિટી વ્હીકલ નીચે પડતાં જ વાતાવરણ મુસાફરોની ચીસોથી ગુંજી ઉઠ્યું હતું. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ટેમ્પોમાં કુલ 19 જેટલા મુસાફર સવાર હોવાનું કહેવાય છે.ટેમ્પોમાં રહેલા મુસાફરો સત્તાધાર દર્શન કરીને ચોટિલા પરત જતાં હતાં ત્યારે આ ગોઝારી ઘટના બની હતી. નોંધનીય છે કે આજે વહેલી સવારે અન્ય એક ઘટનામાં સુરતથી 50 કિ.મી દૂર આવેલા શિયાલજ પાસે કન્ટેનર ભરેલા ટ્રક અને લક્ઝરી વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ચાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને 14 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. જે રીતે લોકો ગંભીર હાલતમાં હતાં તે જોતાં મૃતકોની સંખ્યા વધવાની આશંકા સેવાઈ રહી છે.