– પેન્ડામિક સમયમાં પણ જીટીયુ દ્વારા અનેક પ્રકારના સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવેલા છે. ICMR દ્વારા કોવિડ-19ના ટેસ્ટ માટેની મંજૂરી મળવાથી સરકારશ્રીના માન્યદરે ટેસ્ટીંગ કરી આપવામાં આવશે. – પ્રો. ડૉ. નવીન શેઠ(કુલપતિ , જીટીયુ)
– જીટીયુની બાયો સેફ્ટી લેબ અને આઈસીએમઆર દ્વારા કરવામાં આવેલ તમામ 6 સેમ્પલનું પરીણામ સમાન આવ્યું.
– આગામી સમયમાં હિપેટાઈટીસ – બી , હિપેટાઈટીસ –સી , ડેન્ગ્યુ , સ્વાઈન ફ્લૂ અને કેન્સર તથા એચઆઈવી જેવા ભયંકર રોગનું પણ પરીક્ષણ કરી શકાશે
અમદાવાદ, તા.૧૪
સમગ્ર વિશ્વ છેલ્લા 1 વર્ષથી કોવિડ-19ની મહામારીને કારણોસર અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પણ તેના નિવારણના ભાગરૂપે દરેક સ્તર પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કોવિડનું ચોક્કસ નિદાન થાય તે હેતુસર યોગ્યતા ધરાવતી લેબોરેટરીઝને ટેસ્ટીંગની માન્યતા આપવામાં આવી રહી છે. તાજેતરમાં જ ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ની બોયો સેફ્ટી લેબોરેટરીઝને કોવિડ-19ના નિદાન માટે કરવામાં આવતાં રીયલ ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન (RTPCR) ટેસ્ટની મંજૂરી આપવામાં આવી છે. જે બહુ મહત્વનું અને નોંધનીય કહી શકાય. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો.ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે , પેન્ડામિક સમયમાં પણ જીટીયુ દ્વારા અનેક પ્રકારના સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવેલા છે. ICMR દ્વારા કોવિડ-19ના ટેસ્ટ માટેની મંજૂરી મળવાથી સરકારશ્રીના માન્યદરે ટેસ્ટીંગ કરી આપવામાં આવશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન . ખેરે માન્યતા મળતાં જણાવ્યું હતું કે , જીટીયુ આ મહામારીમાં સરકારશ્રીને દરેક પ્રકારે મદદરૂપ થવા માટે સતત કાર્યરત રહશે.
આ સંદર્ભે વધુમાં જીટીયુ અટલ ઈન્ક્યૂબેશન સેન્ટર(AIC)ના સીઈઓ ડૉ. વૈભવ ભટ્ટે જણાવ્યું હતું કે, ગત જાન્યુઆરી માસમાં જીટીયુ તરફથી કોવિડ-19ના નિદાન માટે કરવામાં આવતાં રીયલ ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન (RTPCR) ટેસ્ટની મંજૂરી માટે ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)માં અરજી કરવામાં આવી હતી. ICMRના તમામ પ્રકારના ધરાધોરણઓ જેવા કે, બાયો સેફ્ટી લેબોરેટરીઝ ક્લાસ-2 પ્રકારની હોવી જોઈએ, દરેક પ્રકારના રીસર્ચ માટે બાયો સેફ્ટી કેબિનેટ ઈક્વિપમેન્ટ હોવા પણ જરૂરી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફથી બોયો મેડિકલ વેસ્ટનું સર્ટીફિકેટ પણ મેળવેલું હોવું જરૂરી છે. આ ઉપરાંત રીયલ ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન મશીન , બોયો સેફ્ટી કેબિનેટ મશીન , કુલિંગ સેન્ટ્રીફ્યૂઝ , માઈનસ 80 અને 20 ડિગ્રી તાપમાન ધરાવતાં ડિપ ફ્રિજર જેવા અદ્યતન સાધનોથી લેબોરેટરીઝ સુસજ્જ હોવી જરૂરી છે. આ તમામ પ્રકારના ધરાધરોને ધ્યાનમાં રાખીને તથા તેની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરીને જીટીયુ દ્વારા ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દિલ્હી ખાતે અરજી કરવામાં આવી હતી. તમામ પ્રકારના નિયમોનુસાર જીટીયુ લેબ કાર્યરત હોવાથી ટેસ્ટીગ સંબધીત કાર્ય માટે આઈસીએમઆર દ્વારા પહેલાથી જ ટેસ્ટ કરેલાં 6 સેમ્પલ જીટીયુની લેબમાં ટેસ્ટ કરવા માટે મોકલવામાં આવ્યા હતાં. જેના પરીણામ સ્વરૂપ જીટીયુની બાયો સેફ્ટી લેબ અને આઈસીએમઆર દ્વારા કરવામાં આવેલ તમામ 6 સેમ્પલનું પરીણામ સમાન આવ્યું હતું. આ અનુસંધાને આઈસીએમઆર દ્વારા જીટીયુની બાયો સેફ્ટી લેબને RTPCR ટેસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવી છે. વધુમાં જણાવતાં તેઓએ કહ્યું હતું કે, આગામી સમયમાં હિપેટાઈટીસ – બી , હિપેટાઈટીસ –સી , ડેન્ગ્યુ , સ્વાઈન ફ્લૂ અને કેન્સર તથા એચઆઈવી જેવા ભયંકર રોગનું પણ પરીક્ષણ કરી શકાશે. આમ, પેન્ડામિક સમયમાં પણ જીટીયુ દ્વારા અનેક પ્રકારના સમાજ ઉપયોગી કાર્યો કરવામાં હંમેશા આગળ પડતી રહી મહત્વની ભૂમિકા અને સામાજિક ફરજ અદા પણ કરતી રહી છે.