નવી દિલ્હી. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી ના સંયોજક અરવિંદ કેજરીવાલ એ ગુજરાત (Gujarat)માં નવી રાજનીતિની શરૂઆત કરવા માટે ગુજરાતના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં AAPએ સારું પ્રદર્શન કર્યું છે. ગુજરાત અને ખાસ કરીને સુરતના મતદારોનો આભાર વ્યક્ત કરવા માટે કેજરીવાલે એક વીડિયો પણ જાહેર કર્યો છે. તેમાં તેઓએ જણાવ્યું કે તેઓ 26 ફેબ્રુઆરીએ સુરતની રૂબરૂ મુલાકાત લઈને મતદારોને આભાર વ્યક્ત કરશે.અરવિંદ કેજરીવાલે પોતાના વીડિયો સંદેશમાં કહ્યું, ‘ગુજરાતની મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. હું ગુજરાતનો દિલથી આભાર વ્યક્ત કરવા માંગું છું. ખાસ કરીને સુરતના લોકોનો આભાર માનવા માંગું છું જેઓએ સવા સો વર્ષ જૂની કૉંગ્રેસ પાર્ટીને હરાવીને નવી પાર્ટી આમ આદમી પાર્ટીને જીતાડીને મુખ્ય વિપક્ષી પાર્ટી બનાવી દીધી છે. હું આપને વિશ્વાસ અપાવવા માંગું છું કે અમારા દરેક ઉમેદવાર પોતાની જવાબદારી પૂરી ઈમાનદારી સાથે નિભાવશે.આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પોતાના વીડિયો સંદેશમાં વધુમાં કહ્યું, ‘ગુજરાતે એક નવી રાજનીતિની શરૂઆત કરી છે, ઈમાનદાર રાજનીતિ- કામની રાજનીતિ- સારી સ્કૂલોની રાજનીતિ- સારી હૉસ્પિટલોની રાજનીતિ- સસ્તી અને 24 કલાક વીજળી સપ્લાયની રાજનીતિ. ગુજરાતના લોકોની સાથે મળી આપણે સૌ ગુજરાતને વધુ વિકાસના પંથે લઈ જઈશું.’કેજરીવાલે વધુમાં કહ્યું કે, હું 26 તારીખે આપનો વ્યક્તિગત આભાર માનવા માટે સુરત આવી રહ્યો છું. તો સુરતમાં મળીએ. પોતાના સંદેશના અંતમાં કેજરીવાલે ગુજરાતીમાં કહ્યું, ‘ગુજરાતના લોકોને મારો દિલથી ખૂબ ખૂબ આભાર.’ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીએ ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 470 ઉમેદવારોને ઉતાર્યા હતા. AAPને સુરતમાં 27 સીટો પર જીત મળી. પાર્ટીના કાર્યકર્તાઓએ કેક કાપીને ચૂંટણી પરિણામોની ઉજવણી કરી હતી.