એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ગુજરાતમાં સી-પ્લેન એરક્રાફ્ટ ઓપરેશન્સ માટે 3 રુટ્સ ફાઈનલ કર્યા છે. રાજ્યમાં વોટર એરડ્રોમ ઓપરેશન્સ માટે સિલેક્ટ કરવામાં આવેલા રુટ્સમાં સાબરમતી રિવરફ્રંટથી ધરોઈ ડેમનો રુટ પણ શામેલ છે.2017માં ગુજરાતમાં થયેલી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન વડાપ્રધા નરેન્દ્ર મોદીએ સાબરમતી નદીથી ધરોઈ ડેમ સુધી સી-પ્લેનમાં મુસાફરી કરી હતી, જેની નોંધી વિશ્વસભરમાં લેવાઈ હતી. આ સિવાય AAI દ્વારા સાબરમતી રિવરફ્રંટથી સરદાર સરોવર ડેમ(સ્ટેચ્યુ ઓફ યૂનિટી) અને સુરતમાં તાપી રિવરફ્રંટ સુધીના રુટ પર વિશ્લેષણ ચાલી રહ્યું છે.AAIના ચેરમેન ગુરુપ્રસાદ મોહાપત્રા કહે છે કે, ઘણાં બધા સ્થળોનો વિચાર કર્યા પછી આ 3 સ્થળોને પ્રી-ફીઝીબીલીટી સ્ટડી માટે ફાઈનલ કરવામાં આવ્યા છે. AAIના અધિકારીઓ અને પ્રાઈવેટ એરલાઈનના અધિકારીઓ આ લોકેશન્સની ટુંક સમયમાં મુલાકાત લેશે. અમે ટુંક સમયમાં મીટિઅરૉલોજિકલ અને હાઈડ્રોલોજિકલ અભ્યાસ શરુ કરવામાં આવશે. આ રિપોર્ટ્સ મળ્યા પછી અંતિમ નિર્ણય લેવામાં આવશે.ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે સી-પ્લેન ટૂરિઝમ પોલીસીનો પ્રસ્તાવ મુક્યો છે અને બજેટમાં તેના માટે સ્પેશિયલ ગ્રાન્ટ પણ ફાળવી છે. આ બાબતના જાણકાર એક સૂત્રએ જણાવ્યું કે, સરકારનો પ્લાન 31મી ઓક્ટોબર પહેલા સ્ટેચ્યુ ઓફ યૂનિટીનું કામ સમાપ્ત કરવાનો છે. એક વાર આ સ્ટેચ્યુ તૈયાર થઈ જશે તો દુનિયાભરના લોકો માટે તે આકર્ષણનું કેન્દ્ર બનશે. માટે અહીંની મુલાકાત લેવા આવનારા લોકો માટે સી-પ્લેન સારો વિકલ્પ બની રહેશે.તેમણે આગળ જણાવ્યું કે, રાજ્યમાં એર ટ્રાવેલને પ્રમોટ કરવા માટે અમે VGF અને અન્ય ઈન્સેન્ટિવ્સ આપીએ છીએ. વર્તમાન સી-પ્લેન ટૂરિઝમ પ્રમોશન પૉલિસીના પ્રસ્તાવ અંતર્ગત અમે રાજ્યમાં સી-પ્લેન સર્વિસ શરુ કરવા માંગતા વેન્ડર્સ માટે VGFનો પ્રસ્તાવ મુક્યો છે. કેન્દ્ર સરકાર પાસેથી પણ નાણાંકીય મદદ મળે તેવી અમને આશા છે