સુરત: અમદાવાદના ‘આયેશા’ આપઘાત કેસ ની આખા દેશમાં ચર્ચા થઈ રહી છે. તમામ લોકો આયેશાના ન્યાય અપાવવાની અને આરોપી પતિને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી રહ્યા છે. સુરત શહેરમાં પણ આજે ‘આયેશા’ જેવો બનાવ બનતાં બનતાં અટકી ગયો હતો. સદનસિબે આ કેસમાં લોકોની ધ્યાન પડી જતાં યુવતીને બચાવી લીધી હતી. પોતાના પતિના સતત ત્રાસ બાદ યુવતી આપઘાત કરવા માટે ચોકબજાર હોપ પુલ ખાતે આપઘાત માટે પહોંચી હતી. સ્થાનિક લોકોની નજર પડી જતાં યુવતી પુલ પરથી ઝંપલાવે તે પહેલા જ બચાવી લીધી હતી. આ મામલે લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, પતિ સાથેના વિવાદમાં તાજેતરમાં અમદાવાદની આયેશા નામની યુવતીએ વીડિયો બનાવી આપઘાત કરી લીધો હતો. હાલ આ મામલો ચર્ચામાં છે ત્યારે જ સુરતમાં એક મહિલા પતિના ત્રાસને લઈને તાપી નદીમાં આપઘત કરવા માટે પહોંચી ગઈ હતી. જોકે, પરિણીતા તાપી નદીમાં છલાંગ મારે તે પહેલા સ્થાનિક લોકોએ તેણીને બચાવી લીધી હતી.મળતી માહિતી પ્રમાણે સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલા હોપ પુલ પર એક મહિલા આપઘાત માટે પહોંચી હતી. મહિલા પુલ પર પહોંચીને રડી હતી. જે બાદમાં તેણી પુલ પરથી કૂદવાની તૈયારી જ કરી રહી હતી ત્યારે જ લોકોનું ધ્યાન તેના તરફ ગયું હતું. મહિલા નીચે કૂદે તે પહેલા જ લોકોએ દોડીને પહોંચી ગયા હતા અને તેણીને બચાવી લીધી હતી. આ દરમિયાન મહિલા સતત રડી રહી હતી.મહિલાની પૂછપરછમાં એવી વિગત સામે આવી છે કે મહિલાને તેનો પતિ છેલ્લા લાંબા સમયથી ત્રાસ આપીને માર મારતો હતો. મહિલાએ પોલીસને આ અંગે અનેક વખત ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી ન હોવાનું તેણી કંટાળી ગઈ હતી અને આપઘાત કરી લેવાનો વિચાર કર્યો હતો.