કુંદનાની પરિવારની ખાસ વાત એ છે કે, તેઓ ભાગલા સમયે પાકિસ્તાનથી નિરાશ્રિત થઇ રાજકોટમાં આવ્યા હતા
રાજકોટ: કોરોનાએ આખેઆખા પરિવારનો ભોગ લીધો હોય તેવા અનેક કિસ્સાઓ છે. ક્યાંક કોરોનાથી તો ક્યાંક કોરોના બાદની સર્જાયેલી સ્થિતિએ પરિવારોએ આત્મહત્યાનો રસ્તો પણ અપનાવ્યો છે. આવામાં રાજકોટના સિંધી પરિવારના ત્રણ ભાઈઓને માત્ર 20 દિવસના ગાળમા કાળમુખી કોરોનાએ છીનવી લીધો છે. રાજકોટના એસ્ટ્રોન રોડ પર રમેશ જનરલ સ્ટોર આવેલો છે. આ સ્ટોર સિંધી સમાજના કુંદનાની પરિવાર દ્વારા સંચાલિત છે. ત્રણ ભાઈઓ અર્જુનભાઇ કુંદનાની, ૨મેશભાઇ કુંદનાની અને કૈલાશભાઇ કુંદનાની મળીને આ સ્ટોરનું સંચાલન કરતા હતા. પરંતુ કોરોનાએ એક પછી એક ત્રણેય ભાઈઓનો જીવ લીધો છે. ત્રણેય ભાઈઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. ૨મેશભાઇ કુંદનાની કોરોના થવાને કારણે સિવિલ હોસ્પિટલમાં સા૨વા૨ હેઠળ હતા. 8 એપ્રિલ 2021ના રોજ તેમનું મૃત્યુ થયું. કાળમુખા કોરોનાને જાણે આટલેથી સંતોષ ન હોય તેમ ત્રણ દિવસ પછી રાજકોટ સિવિલમાં જ સારવાર હેઠળ રહેલા તેમના ભાઈ અર્જુનભાઇ કુંદનાનીનું 11 એપ્રિલના રોજ મોત થઈ ગયું હતું. ત્યા૨બાદ એક માસમાં તેમના ત્રીજાભાઈ કૈલાશભાઇ કુંદનાનીનું 13 મેના રોજ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. કુંદનાની પરિવાર પર કોરોના કહેર બનીને તૂટી પડ્યો હતો. અર્જુનભાઇ કુંદનાનીના ૫ત્ની નિતાબેન કુંદનાની પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. જેથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.રાજકોટના કુંદનાની પરિવારની ખાસ વાત એ છે કે, તેઓ ભાગલા સમયે પાકિસ્તાનથી નિરાશ્રિત થઇ રાજકોટમાં આવ્યા હતા. ત્યાર બાદ રાજકોટને જ પોતાનું વતન બનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, 20 દિવસ પહેલા રાજકોટના જાણીતા પન્નાલાલ ફ્રુટવાળા જસાણી પરિવારના ત્રણ-ત્રણ પુત્રોના કોરોનાએ જીવ લેતા પરિવાર ઉંડા શોકમાં ગરકાવ થઇ ગયો હતો.