દેશ આઝાદીના ૭૫મા વર્ષમાં પ્રવેશી રહ્યો છે ત્યારે મહાત્મા ગાંધીએ ‘ભારત છોડો અભિયાન’ ચલાવ્યું હતું તે રીતે પ્રત્યેક નાગરિકે ‘ભારત જોડો આંદોલન’ ચલાવવું જોઈએ. આ સાથે વડાપ્રધાન મોદીએ દેશને ‘નેશન ફર્સ્ટ, ઓલવેઝ ફર્સ્ટ’નો મંત્ર આપ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ મારફત દેશવાસીઓને સંબોધન કરતા કહ્યું કે, આગામી ૧૫મી ઓગસ્ટે દેશ આઝાદીના ૭૫મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. આ સંદર્ભમાં આખું વર્ષ દેશમાં અમૃત મહોત્સવની ઊજવણી થશે. તેમણે કહ્યું કે દેશની પ્રગતિ માટે આપણે દેશને જોડવાની જરૂર છે.વડાપ્રધાને જણાવ્યું કે, સાંસ્કૃતિક મંત્રાલયે સૌથી વધુ સંખ્યામાં એક સાથે રાષ્ટ્રગીત ગાવાની પહેલ શરૂ કરી છે. આપણે પણ તેમાં જોડાવું જોઈએ. આ માટે એક વેબસાઈટ પણ બનાવાઈ છે. ૨૬મી જુલાઈએ કારગિલ દિવસને ધ્યાનમાં લઈને વડાપ્રધાને કહ્યું કે, આવતીકાલે કારગીલ દિવસ છે. કારગિલ યુદ્ધ ભારતના સૈન્યના શૌર્ય અને સંયમનું પ્રતિક છે. આ ગૌરવશાળી દિવસે પણ અમૃત મહોત્સવ ઊજવાશે.ટોક્યો ઓલિમ્પિકમાં ગયેલી ભારતીય ટીમનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓને તિરંગો લઈને ચાલતા જોઈ હું જ નહીં આખો દેશ રોમાંચિત થઈ ઊઠયો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં જનારા દરેક એથ્લેટે ભારે સંઘર્ષ કરવો પડયો છે. તેઓ માત્ર પોતાના માટે રમવા નથી ગયા, પરંતુ દેશનું ગૌરવ વધારવા ટોક્યો ગયા છે.. હું દેશવાસીઓને આપણા એથ્લીટોને પ્રોત્સાહિત કરવા આગ્રહ કરું છું.