દિલ્હી: મેટ્રો-બસ સેવાઓ ચાલુ, સ્ટેશનો પર લાંબી લાઈનો

0
34
અનલોકની પ્રક્રિયા ઉપરાંત આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે તેને લઈ મંદિરોમાં પણ ભારે ભીડ જોવા મળી
અનલોકની પ્રક્રિયા ઉપરાંત આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે તેને લઈ મંદિરોમાં પણ ભારે ભીડ જોવા મળી

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે સોમવારથી દિલ્હીમાં અનલોકની વધુ એક પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી. સોમવારથી દિલ્હી મેટ્રો પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે દોડી રહી છે. આશરે એક વર્ષ પછી એવું બની રહ્યું છે કે મેટ્રો આ રીતે દોડવા માટે તૈયાર છે. જોકે પહેલા જ દિવસે દિલ્હીના વિવિધ મેટ્રો સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી અને સોશિયલ ડિસ્ટન્સીંગનું કોઈ નામોનિશાન નહોતું રહ્યું. સોમવારે 100 ટકા ક્ષમતા સાથે મેટ્રો ચાલવાનો પહેલો દિવસ હતો, તેવામાં સવારથી જ અલગ અલગ સ્ટેશનો પર લાંબી લાઈનો લાગી ગઈ હતી. બદરપુર બોર્ડર મેટ્રો સ્ટેશન, આનંદ વિહાર મેટ્રો સ્ટેશન, નિર્માણ વિહાર મેટ્રો સ્ટેશન સહિત દિલ્હીના વિવિધ મેટ્રો સ્ટેશન પર સવારે લાંબી લાઈનો જોવા મળી હતી. આ દરમિયાન મેટ્રોમાં થોડો સમય મુશ્કેલી આવવાના કારણે કેટલાક સ્ટેશન પર ગેટ પણ નહોતા ખુલી રહ્યા જેથી લોકોને ખૂબ મુશ્કેલી પડી હતી. લોકો એ વાતને લઈ ખુશ હતા કે લાંબા સમય બાદ મેટ્રો સંપૂર્ણ ક્ષમતા સાથે દોડાવવામાં આવશે તેથી સરળતા રહેશે પરંતુ પહેલા દિવસે જ ભારે ગરબડ જોવા મળી હતી. બદરપુર મેટ્રો સ્ટેશન પર ઉભેલા એક મુસાફરે જણાવ્યું કે, લોકોને હવે ખૂબ રાહત મળશે. આના પહેલા ખૂબ મુશ્કેલી પડી રહી હતી પરંતુ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન નથી થઈ રહ્યું, લોકો બેદરકાર થઈ ગયા છે. લોકોને ભલે રાહત મળી રહી હોય પરંતુ આ રીતે નિયમો, કોવિડ ગાઈડલાઈન્સના ધજાગરા ઉડી રહ્યા હોવાથી ચિંતા વધી શકે છે તે સ્પષ્ટ છે. સવારે થોડા સમય માટે દિલ્હી મેટ્રોમાં થોડી ગરબડ પણ થઈ હતી. દિલ્હી મેટ્રોએ આ અંગે ટ્વીટ કરીને સવારે 6:42 કલાકે કેટલાક ઝાટકા અનુભવાયા હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ મેટ્રોને ઓછી ઝડપે લાવીને આગલા સ્ટેશને અટકાવી દેવામાં આવી હતી. જોકે હવે તમામ સર્વિસ નોર્મલી કામ કરી રહી છે. સોમવારે અનલોકના વધુ એક તબક્કા સાથે મેટ્રો ઉપરાંત ડીટીસીની તમામ બસો પણ સંપૂર્ણ ક્ષમતા સાથે દોડશે. સોમવારે સવારે દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં લોકો બસમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા. આ બધા વચ્ચે કોવિડ ગાઈડલાઈન્સનું પાલન ચિંતાનો વિષય છે. અનલોકની પ્રક્રિયા ઉપરાંત આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે તેને લઈ મંદિરોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. ચાંદની ચોક ખાતેના મંદિરમાં સોમવારે સવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનું ઉલ્લંઘન થયું હતું.