અમદાવાદ: ગુજકેટની પરીક્ષાનું આજે ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગત 6 ઓગસ્ટે યોજાયેલી પરીક્ષામાં 67 હજાર 951 વિદ્યાર્થીઓ અને 45 હજાર 251 વિદ્યાર્થિનીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી. A ગ્રુપના 46 હજાર 013 વિદ્યાર્થીઓ અને B ગ્રુપમાં 66 હજાર 909 વિદ્યાર્થીઓ હતા. જેમાંથી A ગ્રુપના 474 વિદ્યાર્થીઓએ 99 પર્સન્ટાઈલ મેળવ્યા છે જ્યારે B ગ્રુપના 678 વિદ્યાર્થીઓએ 99 પર્સનટાઇલ્ મેળવ્યા છે. ગુજકેટના પરિણામના 50 ટકા ગુણ અને 12 સાયન્સના પરીક્ષાના 50 ટકા ગુણના આધારે ફાર્મસી અને ઈજનેરીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.ગુજકેટની પરીક્ષા આપનાર વિદ્યાર્થિની જિલ પ્રજાપતિએ Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ વખતે મારે 67% આવ્યા છે ફેમિલીએ પણ સંતોષ માન્યો છે પણ મને હજી પણ એવું લાગે છે કે મેં તૈયારીઓ ઓફલાઈન કરી હોત તો હું હજી સારો સ્કોર કરી શકી હોત. ઓનલાઈન સ્ટડીમાં ખ્યાલ તો આવે પણ અમુક વાર અવાજ જતો રહે, નેટર્વક જતું રહે એટલે એમને સવાલ કરવા માટેની તક મળે નહીં. જ્યારે ઓફલાઈન સ્ટડીમાં તમામ ડાઉટ ક્લિયર થાય અને બીજાના પ્રશ્નોથી પણ આપણને જાણવા મળે.ગુજકેટની પરીક્ષા આપનાર B ગ્રુપના વિદ્યાર્થીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મારા 66 માર્ક્સ આવ્યા છે, મારી ઈચ્છા છે કે હું ફાર્મસીમાં એડમિશન લઉં. આ કોવિડના કારણે અમને ઘણી અસર થઈ. અમને લાગ્યું કે થોડા દિવસ જ ઓનલાઇન ભણવું પડશે પણ આતો હવે લાંબુ ચાલતું ગયું અમે આ વ્યવસ્થાથી ટેવાયેલા નથી એટલે હવે શું કરીએ. જે પરિણામ આવ્યું એને અમે સ્વીકારીએ છીએ અને તેની સાથે આગળ વધીશું.શિક્ષક વિશાલ પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, આ વખતે વિદ્યાર્થીઓનું GUJCET નું રિઝલ્ટ ઓલ ઓવર ઓછું આવ્યું છે. દર વર્ષે 99 પર્સન્ટાઇલ વાળા વિદ્યાર્થીઓની સંખ્યા કરતા આ વર્ષે તે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે. જોકે આ માસ પ્રમોશનના કારણે રિઝલ્ટ ઘટ્યું હોય શકે. પરંતુ સરકારે વિદ્યાર્થીઓને એડમિશન પ્રકિયામાં 40ની બદલે હવે 50 ટકા ગુજકેટના માર્ક્સ ગણવામાં આવે તેવી વ્યવસ્થા કરી છે જેથી વિદ્યાર્થીઓને ફાયદો થશે. હવે એડમિશન પ્રકિયા પણ ચાલુ થશે જેમાં વિદ્યાર્થીઓ તેમના મેરીટ આધારે પ્રવેશ લેશે.રાજ્યમાં કોરોના કાળમાં શિક્ષણજગતને ઘણું નુકશાન પહોંચ્યું છે, જેમાં ભણવાની અને પરીક્ષા આપવાની વ્યવસ્થા પણ બદલાઈ ગઈ છે. લોકોને કોરોનાના કારણે ઓનલાઈન કલાસના માધ્યમથી શિક્ષણ મેળવવું પડતું હતું. ત્યારે આ વર્ષે સરકારે માસ પ્રમોશન આપ્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ નિરાશ છે તેઓનું માનવું છે કે જો ઓફલાઈન પરીક્ષા લેવાઈ હોત તો વધારે પરિણામ આવ્યું હોત, જોકે વિદ્યાર્થીઓ એ આપેલી ગુજકેટનું પણ પરિણામ આજે જાહેર થયું છે, જેમાં પણ વિદ્યાર્થીઓએ આ વખતે ઓછું પરિણામ મેળવ્યું છે. જોકે આ વખતે માસ પ્રમોશનના કારણે એડમિશન પ્રક્રિયામાં ગુજકેટના માર્ક્સનું વેઈટેઝ 40ની બદલે 50 ટકા ગણવામાં આવશે.