ચોથી ટેસ્ટમાં ભારતે 157 રનથી ઇંગ્લેન્ડને હરાવ્યું | ભારતે બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ઓવલ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 157 રને પરાજય આપી સિરીઝમાં 2-1થી વિજય મેળવી લીધો છે.
લંડનઃ લીડ્સ ટેસ્ટમાં કારમા પરાજય બાદ ભારતે ઓવલમાં શાનદાર વાપસી કરતા ઈંગ્લેન્ડને 157 રને પરાજય આપી પાંચ મેચોની સિરીઝમાં 2-1થી લીડ મેળવી લીધી છે. ભારતે આપેલા 367 રનના લક્ષ્ય સામે પાંચમાં દિવસે બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ 210 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓવલ ટેસ્ટના અંતિમ દિવસે ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરી ઈંગ્લેન્ડ ટીમને ધરાશાયી કરી દીધી હતી. ભારત તરફથી ઉમેશ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુરને બે-બે વિકેટ મળી હતી. સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ 10 સપ્ટેમ્બરથી માન્ચેસ્ટરમાં શરૂ થશે. ઉલ્લેખનીય છે કે હવે અહીંથી ઈન્ડિયા સિરીઝ હારી શકશે નહીં. ભારતે ઈંગ્લેન્ડને જીત માટે 367 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઈંગ્લેન્ડના ઓપનરોએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. રોરી બર્ન્સ અને હાસીબ હમીદે પ્રથમ વિકેટ માટે 100 રનની ભાગીદારી કરી હતી. રોરી બર્ન્સ 50 રન બનાવી શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો હતો. હસીમ હમીદ 63 રન બનાવી જાડેજાની ઓવરમાં બોલ્ડ થયો હતો. હમીદે 193 બોલમાં 6 ચોગ્ગા સાથે 63 રન બનાવ્યા હતા. ડેવિડ મલાન 5 રન બનાવી રનઆઉટ થયો હતો. ત્યારબાદ બુમરાહે ઓલી પોપ (2) અને જોની બેયરસ્ટો (0)ને બોલ્ડ કરીને ભારતની મેચમાં વાપસી કરાવી હતી. તો જાડેજાએ મોઇન અલી (0)ને આઉટ કર્યો હતો. ત્યારબાદ શાર્દુલ ઠાકુરે જો રૂટ (36)ને બોલ્ડ કરી ભારતને મોટી સફળતા અપાવી હતી. ક્રિસ વોક્સ 18 રન બનાવી ઉમેશ યાદવનો શિકાર બન્યો હતો. ક્રિગ ઓવરટન 10 રન બનાવી ઉમેશ યાદવની ઓવરમાં બોલ્ડ થયો હતો. 99 રનના દેવા સાથે ઉતરેલી ભારતીય ટીમે બીજી ઈનિંગમાં શાનદાર બેટિંગ કરી હતી. રોહિત શર્માએ વિદેશની ધરતી પર પ્રથમ ટેસ્ટ સદી ફટકારતા 127 રન બનાવ્યા હતા. આ સિવાય ચેતેશ્વર પુજારાએ 61, ઠાર્દુલ ઠાકુરે 60, રિષભ પંતે 50 અને વિરાટ કોહલીએ 44 રન બનાવ્યા હતા. આ સિવાય લોઅર ઓર્ડરે પણ રન બનાવી ભારતની સ્થિતિ મજબૂત કરી હતી. ઈંગ્લેન્ડ તરફથી બીજી ઈનિંગમાં ક્રિસ વોક્સે 83 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય મોઇન અલી અને રોબિન્સનને બે-બે તથા એન્ડરસન, રૂટ અને ઓવરટનને એક-એક વિકેટ મળી હતી.