અંજાર: આપણી સામે અનેકવાર માનવામાં ન આવે તેવી ઘટનાઓ બનતી હોય છે. કેટલાક લોકો તેને ચમત્કાર કહે છે, તો કેટલાક લોકો તેને અંધશ્રદ્ધા ગણે છે. આવી જ એક ઘટના ગુજરાતમાં કચ્છમાં બની છે. કચ્છના અંજારમાં એક મંદિરમાં 75 વર્ષ જૂનો શીરો મળી આવ્યો છે. જે 75 વર્ષના વહાણા વીતી ગયા બાદ આજે પણ તાજો છે. આ ઘટનાથી અંજારવાસીઓ ચમત્કાર ગણાવી રહ્યા છે અને ભગવાનનની પ્રસાદી કહી રહ્યાં છે. અંજાર તાલુકાના ખેડાઈ ગામના પટેલવાસમાં લક્ષ્મીનારાયણ મંદિર આવેલું છે. આ મંદિર સૌથી પહેલા 1945 માં બનાવવામાં આવ્યુ હતું. પરંતુ કચ્છના ભૂકંપમાં મંદિર જર્જરિત થઈ ગયુ હતું. તેના બાદ હાલ મંદિરના જીર્ણોદ્વારની કામગીરી હાથ ધરાઈ હતી. મંદિરનું શિખર બદલવાની કામગીરી કરવાની હતી. ત્યારે 8 સપ્ટેમ્બરના રોજ મંદિરમાં એક હવનનું આયોજન કરાયુ હતું. જેના બાદ શિખરના ટોચ પરથી કળશ ઉતારવામાં આવ્યો હતો. આ કળશ જોઈને જ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કારણ કે, મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમયે કળશમાં શીરો મૂકવામાં આવ્યો હતો, તે 75 વર્ષના વહાણા વિત્યા બાદ પણ તાજો મળી આવ્યો છે. જાણે ગઈકાલે જ બનાવ્યો હોય તેમ શીરામાંથી ચોખ્ખા ઘીની સુગંધ આવતી હતી. શીરામાં કોઈ પ્રકારના બગાડ થયો ન હતો. જેથી લોકોએ આ ઘટનાને ચમત્કાર ગણાવી છે.
પ્રસાદ રૂપી શીરો લોકો જોઈ શકે તે રીતે રખાયો :-
ખેડોઈ ગામે આશ્ચર્ય પમાડે તેવી ઘટના બની હોવાથી પુરાવા રૂપે પ્રસાદ રૂપે મળી આવેલો 75 વર્ષ જૂનો શીરા મંદિરમાં સાચવી રખાયો છે, ખેડોઈ ગામમાં આ અદ્દભુત ઘટના બનતા હાલે લોકો શીરા રૂપી પ્રસાદને જોવા અને લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શનાર્થે મોટી સંખ્યામાં આવી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું.