અમદાવાદ: કોરોનાના ગત વર્ષે નવરાત્રિ નું આયોજન થઇ શક્યું ન હતું અને આ વર્ષે ત્રીજી લહેરની આશંકા વચ્ચે 400 વ્યક્તિની પરવાનગી સાથે શેરી ગરબાના આયોજન માટે સરકારે પરવાનગી આપી છે. ત્યારે ગુજરાતીઓ સહીત અમદાવાદીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાંચમા નોરતે યુવાધન હિંડોળે ચઢ્યું હતું. એમાં પણ ખાસકરીને બાળકોથી યુવાનોમાં ટીમલીનો અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
આ વખતે પાર્ટી પ્લોટ માં ગરબાનું આયોજન કરવામાં આવ્યું ન હોવાથી સોસાયટીમાં ગરબાની ધૂમ મચી રહી છે. રંગેચંગે નવરાત્રિ ની ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના ચાંદખેડા વિસ્તારના સત્યા સ્ક્વેરમાં ગરબાની સાથે સાથે ટીમલી ડાન્સ પણ ખેલૈયાઓ મજા માણી રહ્યા છે. અહીં એક વર્ષ બાદ તહેવારની ઉજવણીની પરવાનગી મળી હોવાથી યુવાનો અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે. ટ્રેડિશનલ ડ્રેસ અને રંગબેરંગી લાઈટિંગ વચ્ચે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.
અમદાવાદ શહેરમાં વિવિધ સોસાયટીઓ અને ફ્લેટ ખાતે શેરી ગરબાના આયોજન કરવામાં આવ્યા છે. લોકો પોતાની સોસાયટી અને ફ્લેટના કોમન પ્લોટમાં ગરબા રમી રહ્યાં છે. આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારો જેમ કે રાણીપ, ગોતા, બોપલ, સેટેલાઇટમાં ગરબામાં આયોજન કરવામાં આવ્યા છે.