દિલ્હીમાં આજે કોંગ્રેસની વર્કીંગ કમિટીની બેઠક ચાલી રહી છે. ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી પ્રદેશ પ્રમુખ નથી. એવામાં ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનવા માટે હવાતીયા મારી રહ્યો છે. આ માટે તે પ્રશાંત કિશોરને ગુજરાતના પ્રભારી બનાવવા માટે પ્રયાસો કરી રહ્યો છે. જેથી તેનો પોતાનો પ્રદેશ પ્રમુખ બનવાનો રસ્તો સાફ થઈ જાય.
ગુજરાત કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હાલમાં ગુજરાત કોંગ્રેસમાં તેઓ કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે છે. જોકે કાયમી પ્રમુખની જગ્યામાં હાર્દિક પટેલ પોતાનું સ્થાન નક્કી કરવાના અભરખાં જાગ્યા છે. આ માટે તે ગુજરાતથી દિલ્હી સુધીના ચક્કર ઘણીવાર કાપી આવ્યો છે. પાર્ટીના ટોચના નેતાઓ સાથે પણ ઘણી મુલાકાત કરી લીધી. સાથે જ તેની ઈચ્છા ગુજરાતમાં પ્રશાંત કિશોરને પ્રભારી બનાવવા માટેની છે અને પોતે પ્રદેશ પ્રમુખ બનીને ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળવા માંગે છે.
ભાજપે હાલમાં જ આખી સરકાર બદલીને ભૂપેન્દ્ર પટેલની સરકાર બનાવી છે. એવામાં કોંગ્રેસમાં પણ પટેલ પ્રદેશ પ્રમુખ હશે તો આગામી વિધાનસભા ચૂંટણીમાં પાટીદારોના અમુક મતો કોંગ્રેસને મળી શકે છે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી પ્રદેશ પ્રમુખના પદ માટે સીનિયર નેતાઓની જ પસંદગી કરાય છે. એવામાં યુવા પ્રદેશ પ્રમુખની પસંદગીથી કાર્યકર્તાઓમાં પણ નવો જોશ આવશે અને કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાઈ શકે.
2022ની ચૂંટણીમાં પ્રશાંત કિશોરને સોંપાઈ શકે મોટી જવાબદારી
નોંધનીય છે કે, ગુજરાતમાં નેતાવિહોણી અને સતત પરાજયનો સામનો કરી રહેલા કોંગ્રેસ પક્ષને ફરી બેઠો કરી 2022ની વિધાનસભા ચૂંટણીમાં દોડતો કરવા માટે આગામી દિવસોમાં ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોરને મોટી જવાબદારી સોંપવામાં આવે એવી શક્યતા છે. આ મામલે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને પ્રશાંત કિશોર વચ્ચે બેઠક પણ મળી હોવાનું જાણવા મળ્યું છે. આ અગાઉ થોડા દિવસ પહેલાં મળેલી કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં પણ પ્રશાંત કિશોરના મુદ્દે ચર્ચા થઈ હતી. બીજી તરફ, પ્રશાંત કિશોરની ટીમે કોંગ્રેસ માટે ચૂંટણી અંગે સરવે પણ શરૂ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જો પ્રશાંત કિશોરને ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવે તો કોંગ્રેસનો ગુજરાતમાં 25 વર્ષના વનવાસ પુરો કરાવી શકશે કે નહીં તે સૌથી મોટો પડકાર રહેશે.
ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી રહેશે
2022ની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી રહેશે. જોકે પ્રશાંત કિશોર અંગે હજુ સુધી કોઇ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ કોંગ્રેસનાં જ સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત કોંગ્રેસનું સુકાન રણનીતિકાર પ્રશાંત કિશોરને સોંપી કોંગ્રેસ હાઈકમાન્ડ નવી ગેમ ખેલવા તૈયાર છે. તાજેતરમાં જ કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી હતી, જેમાં ધારાસભ્યોને પોતાની બેઠક સિવાય અન્ય વિધાનસભા સીટની પણ જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત 2022 વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠક જીતવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો હતો. બેઠક અંદાજિત ચાર કલાકથી વધુ સમય સુધી ચાલી હતી.