અમદાવાદ :શૈક્ષણિક વર્ષ 2021 – 22 નું દિવાળી વેકેશન પૂર્ણ થઈ રહ્યુ છે. તો બીજી તરફ આજથી ફરી એકવાર શાળાઓમાં ચહલપહલ જોવા મળશે. 20 મહિના જેટલા લાંબા સમય બાદ ધોરણ 1 થી 5 ના ઓફલાઈન વર્ગો આજથી શરૂ થઈ રહ્યાં છે. જેને કારણે ભૂલકાઓમા સ્કૂલ જવા માટે ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. આવામાં કેટલાક વિદ્યાર્થીઓ તો એવા છે જેઓ આજે પહેલીવાર સ્કૂલના પગથિયા ચઢ્યા હતા.
આજથી ફરી એકવાર શાળાઓ શરૂ થઈ છે. એક તરફ દિવાળી વેકેશન પૂરૂ થયુ છે. તો બીજી તરફ, 20 મહિના જેટલા લાંબા સમય બાદ ધોરણ 1 થી 5 ના ઓફલાઈન વર્ગો શરૂ થયા છે. ત્યારે અમદાવાદમાં આવેલી નારણપુરા શાળા નંબર 1 અને 2 ખાતે વિદ્યાર્થીઓનું ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરાયું હતું. બાળકોના ટેમ્પરેચર માપવામાં આવ્યા, માસ્ક અને વાલીના સંમતિ પત્ર સાથે બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો.
જોકે, બાળકોના વાલીઓ પાસેથી સંમતિપત્ર લેવાના હોઈ રાજ્યભરમાં ગણતરીની જ શાળાઓમાં આજથી ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ થઈ શક્યા છે. ધોરણ 1 થી 5 ના ઓફલાઇન વર્ગ શરૂ કરવા અંગે સરકારે ગઈકાલે જ જાહેરાત કરી હોઈ SoP ના પાલન માટે શાળાઓને એક થી બે દિવસનો સમય લાગશે.
ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અગાઉથી જ ઓનલાઈન અને ઓફલાઈન વર્ગો બંને વિકલ્પથી ચાલી રહ્યા હતા. જોકે ધોરણ 1 થી 5 માં ઓફલાઈન વર્ગમાં બાળકની હાજરી ફરજિયાત રહેશે નહિ. ધોરણ 1 થી 5 ના બાળકોને ઓફલાઈન અભ્યાસ કરાવવા માટે વાલીનું સંમતિપત્ર શાળાએ લેવાનું રહેશે. દરેક શાળાઓએ ઓફલાઈનની સાથે ઓનલાઈન અભ્યાસ પણ ચાલુ રાખવાનો રહેશે, જે વાલી ઈચ્છે એ ઓનલાઈન અભ્યાસનો વિકલ્પ પસંદ કરી બાળકને અભ્યાસ કરાવી શકશે. રાજ્ય સરકારે જાહેર કરેલી SoP ના પાલન સાથે ફરી ઓફલાઈન શિક્ષણ શર થશે. એક વર્ગમાં 50 ટકા બાળકોની હાજરી સાથે ઓફલાઈન અભ્યાસ કરાવી શકાશે
ગઈકાલે ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવાની સરકારે જાહેરાત કરી હતી. જોકે, સરકારના નિર્ણય અંગે વાલીઓનો મિશ્ર પ્રતિસાદ જોવા મળયો છે. હજી પણ અનેક વાલીઓમાં તેમના બાળકોને શાળાએ મોકલવામાં ડર છે. કટેલાક વાલીઓએ 1 થી 5 ના વર્ગો શરૂ કરવાનો સરકારનો નિર્ણય ઉતાવાળીઓ ગણાવ્યો છે. તેમને ચિંતા છે કે, બાળકોને વેક્સિન મળી નથી ત્યારે બાળકોની જવાબદારી કોણ લેશે. બાળકોની સુરક્ષાની જવાબદારી કોણ લેશે તેવુ વાલીઓનું કહેવુ છે. તો કેટલાક વાલીઓએ સરકારના નિર્ણયને આવકાર્યો છે. ઘરમાં રહી બાળકોનો વિકાસ રૂંધાયો છે. બાળકોને શાળાએ મોકલવા અનિવાર્ય છે. બાળકો પાસે નિયમોનું પાલન કરાવવું એ વાલીઓની નૈતિક ફરજ છે તેવુ તેમનુ કહેવુ છે.