મુંબઈ: જો તમે કોઈ કામ માટે બેંક જવાનું વિચારતા હોવ તો આ સમાચાર તમારે ખાસ જાણવા જરૂરી છે. આજથી દેશભરની સરકારી બેંકોમાં કામકાજ પ્રભાવિત રહેશે કારણ કે જાહેર ક્ષેત્રની બેંકોના લગભગ 9 લાખ કર્મચારીઓ આજથી બે દિવસની હડતાળ પર ઉતર્યા છે. આવામાં લોકોને બેંકના કામકાજ પતાવવામાં મુશ્કેલીઓ થઈ શકે છે. બે દિવસની હડતાળ નું આહ્વાન યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન એ કર્યું છે.
કેમ હડતાળ પર ઉતર્યા કર્મચારીઓ
બેંક યુનિયનના નેતાઓએ કહ્યું કે આ હડતાળનું આહ્વાન સરકાર દ્વારા બે સરકારી બેંકોના ખાનગીકરણના પ્રયત્ન વિરુદ્ધ કરાયું છે. ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કન્ફેડરેશન (એઆઈબીઓસી)ના મહાસચિવ સૌમ્યા દત્તાએ કહ્યું કે અતિરિક્ત મુખ્ય શ્રમ આયુક્ત સમક્ષ સમાધન-સ્પષ્ટીકરણ બેઠક નિષ્ફળ ગઈ અને યુનિયનોએ હડતાળ પર ઉતરવાનો નિર્ણય યથાવત રાખ્યો છે.
સરકારી બેંકોમાં નહીં થઈ શકે આ કામ
ભારતીય સ્ટેટ બેંક સહિત મોટાભાગની બેંકોએ પહેલેથી જ પોતાના ગ્રાહકોને સૂચિત કર્યું છે કે હડતાળના કારણે ચેક ક્લિયરન્સ અને ફંડ ટ્રાન્સફર જેવી બેંકિંગ સુવિધાઓ પ્રભાવિત રહી શકે છે. બે દિવસની હડતાળ બાદ 19મીએ રવિવારના કારણે બેંક બંધ રહેશે. આવામાં બેંક ગ્રાહકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.