નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે વધુ એક આંતરરાષ્ટ્રીય સન્માન જોડાઈ ગયું છે. પાડોશી દેશ ભૂટાને પોતાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર નગદગ પેલ જી ખોરલોથી પીએમ મોદીને નવાજ્યા છે. જેની જાણકારી ભૂટાનના પ્રધાનમંત્રી લોટે શેરિંગ એ ટ્વીટ કરીને આપી અને જણાવ્યું કે ભૂટાનના સર્વોચ્ચ નાગરિક સન્માન માટે પીએમ મોદીના નામની જાહેરાત થયા બાદ ખુબ પ્રસન્નતા થઈ.
પીએમ મોદીએ નિભાવી બિનશરતી દોસ્તી- ભૂટાન
ભૂટાનના પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી ટ્વિટર પર જારી કરાયેલા નિવેદનમાં કહેવાયું છે કે દેશના સૌથી મોટા નાગરિક સન્માનથી પીએમ મોદીને સન્માનિત કરવાના નિર્ણયથી અમે ખુબ ખુશ છીએ. પીએમઓ ભૂટાન તરફથી ટ્વીટમાં કહેવાયું કે ‘ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત કેટલાક વર્ષોમાં બિનશરતી મિત્રતા નિભાવી છે અને કોરોના વાયરસ મહામારી દરમિયાન ખુબ મદદ કરી છે. પીએમ મોદીને એક આધ્યાત્મિક વ્યક્તિ તરીકે જોયા છે. તમે આ સન્માનના હકદાર છો. ભૂટાનના લોકો તરફથી શુભેચ્છા.’
અનેક દેશો કરી ચૂક્યા છે સર્વોચ્ચ સન્માનથી સન્માનિત
પીએમ મોદીને અનેક દેશ પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરી ચૂક્યા છે. આ પહેલા સાઉદી અરબ, અફઘાનિસ્તાન, પેલેસ્ટાઈન, સંયુક્ત આરબ અમીરાત, રશિયા અને માલદિવે પણ પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી પીએમ મોદીને સન્માનિત કર્યા હતા.