બોરસદ: શહેરમાં ઠક્કર ખમણ હાઉસ નામે ધીકતો ધંધો ધરાવતા પરિવારની પરિણીતાનુ ગતરોજ બપોરના સમયે બાથરૂમમાં શંકાસ્પદ રીતે મોત નિપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. બનાવ સંદર્ભે પરિણીતાના સાસરે જાણ થતાં તેઓ બોરસદ આવી પહોંચ્યા હતા. પરિણીતાના પિયર પક્ષના લોકોએ શંકા વ્યક્ત કરતાં મૃતદેહનું પોસ્ટમર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં ગળાના ભાગે નિશાન મળી આવ્યાં હતા. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે, ઠક્કર ખમણ હાઉસથી પ્રખ્યાત એવા અમિત ઠક્કર બોરસદ-આણંદ રોડ ઉપર આવેલી લેગસી સોસાયટીમાં રહે છે. જેના લગ્ન સુરત ખાતે રહેતી રોક્ષા (ઉં.આશરે વર્ષ 35) નામની યુવતી સાથે પંદર વર્ષ પહેલાં થયા હતા. તેમને સંતાનમાં એક પુત્રી અને પુત્ર છે. મંગળવારે સવારે પરિણીતાનું બાથરૂમમાં નાહવા જતા સમયે શંકાસ્પદ મોત નીપજ્યું હતું.આ બાબતે સાસરીવાળાઓએ તેના પિયર પક્ષને ફોન કરી રોક્ષાને પડી જવાથી ઈજા થવાનું જણાવ્યું હતું. જે બાદમાં થોડી વારમાં ફરી ફોન કરીને તેનું મોત નીપજ્યું હોવાનું કહ્યું હતુ. જેથી સુરતમાં રહેતો પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. તો બીજી બાજુ પરિણીતાના અંતિમ સંસ્કારની તૈયારીઓ થવા લાગી હતી.પ્રતિષ્ઠિત પરિવારની પરિણીતાના મોત મામલે સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. બોરસદ શહેર પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ મૃતક પરિણીતાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો હતો. જેનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવી જતાં શહેર પોલીસે દ્વારા પરણિતના મોત મામલે કડક કાર્યવાહી કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.