6 ફેબ્રુઆરી, 2022ને રવિવારે સવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે સ્વર કોકિલા ભારત રત્ન લતા મંગેશકરે અંતિમ શ્વાસ લીધા. ત્યારબાદ તેમનો પાર્થિવ દેહ બ્રીચ કેન્ડી હોસ્પિટલથી તેમના પેડર રોડ સ્થિત નિવાસસ્થાન ‘પ્રભુકુંજ’ ખાતે લઈ જવામાં આવ્યો છે. ત્યાંથી તેમનો પાર્થિવ દેહ શિવાજી પાર્ક ખાતે અંતિમ દર્શનાર્થે મૂકવામાં આવશે. સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મુંબઈ પહોંચશે અને લતાદીદીને શ્રદ્ધાંજલિ આપશે. લતાજીના અંતિમ સંસ્કાર પણ શિવાજી પાર્ક સ્થિત સ્મશાન ગૃહમાં સાંજે 6-30 વાગ્યે કરવામાં આવશે.લતા મંગેશકરના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે અમિતાભ બચ્ચન સહિતની સેલિબ્રિટિઓ પહોંચી રહી છે. અને લતા તાઈના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.લતાદીદીના અવસાનના શોકમાં ભારત સરકારે બે દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. આ બે દિવસ દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધી કાઠીને ઝૂકેલો રહેશે અને તમામ સરકારી કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.8 જાન્યુઆરીએ 92 વર્ષીય લતાજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેઓ દાખલ થયાના સમાચાર પણ બે દિવસ પછી 10 જાન્યુઆરીએ સામે આવ્યા હતા. તેઓ 29 દિવસ સુધી કોરોના અને ન્યુમોનિયા બંને સામે એકસાથે લડી રહ્યા હતા.તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલના આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. લાંબા સમયથી લતાજીની સારવાર કરી રહેલા ડો.પ્રતાત સમધાનીની દેખરેખ હેઠળ તબીબોની ટીમ લતાજીની સારવાર કરી રહ્યા હતા. સારવાર દરમિયાન તેમની તબિયતમાં પણ સુધારો જોવા મળી રહ્યો હતો. તેને સતત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો. લગભગ 5 દિવસ પહેલા તેમની તબિયતમાં પણ સુધારો થવા લાગ્યો હતો. ઓક્સિજન દૂર કરાયો હતો પણ ICUમાં જ રખાયા હતા. જો કે આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.લતાજીએ લગભગ બે વર્ષ સુધી ઘરેથી બહાર નીકળ્યા ન હતા. તેઓ ક્યારેક-ક્યારેક સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકોને સંદેશા આપતા હતા. વધતી જતી ઉંમર અને તબિયતને કારણે તેઓ પોતાના રૂમમાં જ વધુ સમય પસાર કરતા હતા. તેમના ઘરના સ્ટાફના એક મેમ્બરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. 8 જાન્યુઆરીએ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.