રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શાંત થઈ જતા હવે શિક્ષણ પણ પાટા પર આવવા લાગ્યું છે. રાજ્ય સરકારે 7 ફેબ્રુઆરીથી ધોરણ 1થી 9 સુધીનું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કર્યા બાદ આજે 17મી ફેબ્રુઆરીથી પ્રિ-સ્કૂલ, બાલ મંદિર અને આંગણવાડીઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. આમ બે વર્ષમાં પહેલીવાર પ્રિ-સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.પ્રિ-સ્કૂલમાં કે બાલ મંદિરમાં બાળકોને મોકલવા માટે વાલીઓની સંમતિ લેવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, ગત 6 જાન્યુઆરીએ 4213 કેસ આવતા 7મી જાન્યુઆરીથી ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ કરાયું હતું.પ્રિ-સ્કૂલ ખોલવાની જાહેરાત કર્યા બાદ શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ યુક્રેન કટોકટી મામલે કહ્યું કે, ગુજરાતના ફસાયેલા વિદ્યાર્થીઓ પર રાજ્ય સરકારની નજર છે. તેમજ તે માટે સરકાર મદદ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.
કોરોનાકાળમાં ક્યારે ક્યારે સ્કૂલો બંધ કરી
વર્ષ 2020માં સ્કૂલ-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય 16 માર્ચથી બંધ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન તબક્કાવાર ધોરણ 6થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલવામાં આવી હતી. પરંતુ એક વર્ષમાં જ કોરોનીની સ્થિતિ ત્યાંની ત્યાં જ આવી જતાં 18 માર્ચ, 2021માં ચાર મહાનગરોમાં ફરી સ્કૂલ-કોલેજો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફરી ઓગસ્ટમાં સ્કૂલો ખોલવામાં આવી હતી. પરંતુ ડિસેમ્બર 2021માં ત્રીજી લહેર શરૂ થતા જાન્યુઆરી 2022માં સ્કૂલો બંધ કરવામાં આવી હતી.