ગાંધીનગર: કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળિયાને આજે રાજ્ય સરકારમાં મહત્વના પદનો ચાર્જ ફાળવવામાં આવ્યો છે. કુંવરજી બાવળિયાને રૂપાણી સરકારમાં ગ્રામ-ગૃહ નિર્માણ અને પાણી પુરવઠા ખાતુ ફળવાયું છે. આજે રૂપાણી સરકારની કેબિનેટની બેઠકમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. જો કે ભાજપમાં જોડાતા કુંવરજી બાવળિયાને પ્રધાન પદ સોંપાતા ભાજપના અન્ય ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરી છે.
કુંવરજી બાવળિયાને પ્રધાન પદ સોંપ્યા બાદ મંત્રીશ્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓના વિષયોની ફાળવળીમાં ફેરફાર કરાયો છે. જેમાં મંત્રીશ્રી રણછોડભાઇ ચનાભાઇ ફળદુ (આર.સી.ફળદુ)ને કૃષિ, ગ્રામ વિકાસ, મત્સ્યદ્યોગ અને વાહન વ્યવહાર ખાતું સોંપવામાં આવ્યું છે. તો બીજી તરફ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પરબતભાઇ સવાભાઇ પટેલને જળ સંપત્તિ (સ્વસંત્ર હવાલો) અને પાણી પુરવઠા વિભાગ ફાળવવામાં આવ્યો છે.
ગઇકાલે સાંજે બાવળિયાને રાજ્યપાલ ઓ.પી.કોહલીએ મંત્રી પદના શપથ લેવડાવ્યા હતા
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની ટોચની નેતાગીરીથી નારાજ ચાલી રહેલા ધારાસભ્ય અને પીઢ નેતા તેમજ કોળી આગેવાન કુંવરજી બાવળિયાએ ગઇકાલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ તેઓ ગાંધીનગર ખાતે સીએમ નિવાસસ્થાને વિજય રૂપાણીને મળવા પહોંચ્યા હતા. આ ઉપરાંત ભાજપમાં વિધિવત રીતે જોડાયા બાદ ગઇકાલે સાંજે 4.20 કલાકે બાવળિયાને રાજ્યપાલ ઓ.પી.કોહલીએ મંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ભાજપના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા.