પાટીદાર આંદોલન હિંસા કેસમાં હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે હિંસા કેસમાં હાર્દિક પટેલને દોષિત ઠેરવવાના નિર્ણય પર રોક લગાવી દીધી છે. પટેલે ચૂંટણી લડવા માટે દોષિત ઠેરવવા પર સ્ટે માંગ્યો હતો. હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટના નિર્ણય સામે અરજી દાખલ કરી સજાને સ્થગિત કરવાની માંગ કરી હતી જેથી તે 2019ની લોકસભાની ચૂંટણીલડી શકે.એએનઆઇ પાસેથી મળતી માહિતી પ્રમાણે, પાટીદાર આંદોલન દરમિયાન થયેલા તોફાનો અને આગચંપી મામલે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની અપીલ પર નિર્ણય ન આવે ત્યાં સુધી દોષિત ઠેરવવા પર સ્ટે મૂક્યો છે. તેમણે કહ્યું છે કે, સંબંધિત હાઈકોર્ટે દોષિત ઠેરવવા પર સ્ટે મૂકવો જોઈતો હતો.હાર્દિક પટેલના વકીલ મનિન્દર સિંહે કહ્યું કે, તેને ચૂંટણી લડતા અટકાવવો એ અધિકારોનું હનન છે. હાર્દિક પટેલે 2019માં એકવાર ચૂંટણી લડવાની તક ગુમાવી છે. હાર્દિક પટેલના વકીલે કહ્યું કે, તે કોઇ ગંભીર હત્યારો નથી, પોલીસે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે. તમને જણાવી દઈએ કે, હાર્દિક પટેલને 2019ની લોકસભા ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યો હતો.અરજીમાં કહેવામાં આવ્યું હતુ કે, નવજોત સિંહ સિદ્ધુ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે- દોષિત ઠરાવની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે એ પણ જોવું જોઈએ કે વ્યક્તિ પર તેની શું અસર પડશે અને જો તેને યથાવત રાખવામાં આવે તો તે ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થશે. આ જ નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે, આવા કેસોમાં હાજર પુરાવાઓને પણ ધ્યાનમાં લેવામાં આવે. હાર્દિકના કેસમાં કોઈ સીધો પુરાવો નથી અને આખો કેસ અફવા પર આધારિત છે. પિટિશનમાં દોષિત ઠરાવીને હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂકવાની વિનંતી કરવામાં આવી હતી.