નવી દિલ્હી : દિલ્હીથી જબલપુર જઈ રહેલા સ્પાઈસ જેટના વિમાન આજે સવારે ઉડાન ભર્યાના થોડા સમય બાદ ફરી દિલ્હી વિમાન મથક ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. સ્પાઈસ જેટ દ્વારા આપાવમાં આવેલી જાણકારી પ્રમાણે ઉંચાઈ પર પહોંચ્યા બાદ પાયલોટની કેબિનમાં ધુમાડો દેખાવાના કારણે પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.સ્પાઈસ જેટના પ્રવક્તાએ જણાવ્યું કે, ફ્લાઈટ ટેક ઓફ કર્યા બાદ વિમાન જ્યારે 5,000 ફૂટની ઉંચાઈએ પહોંચ્યું ત્યારે પાયલોટની કેબિનમાં ધુમાડો જોવા મળ્યો હતો. ત્યાર બાદ વિમાનને દિલ્હી એરપોર્ટ પર પાછું લેન્ડ કરવું પડ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે, વિમાનમાં ધુમાડો વ્યાપી ગયેલો છે. તેની અંદર બેઠેલા મુસાફરોને ધુમાડાના કારણે મુશ્કેલી અનુભવાઈ રહી છે. ઈમરજન્સી લેન્ડિંગ બાદ મુસાફરોને એરપોર્ટ પર જ રાખવામાં આવ્યા હતા અને બીજા વિમાન દ્વારા તેમને જબલપુર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગત 19 જૂનના રોજ પણ સ્પાઈસ જેટના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. પટનાના જયપ્રકાશ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડેલા વિમાનમાં આગ લાગવાના કારણે 185 મુસાફરો સાથેના તે વિમાનને પટના એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું.