નવી દિલ્હી : પોતાની ડોક્યુમેન્ટરી ‘કાલી’નાં પોસ્ટરને કારણે વિવાદોમાં ઘેરાયેલી ડાયરેક્ટર લીના મણિમેકલાઇની અન્ય એક પોસ્ટે પણ વિવાદ સર્જ્યો છે. લીનાએ તેના ટિ્વટર હેન્ડલ પરથી એક ફોટો શૅર કર્યો છે, જેમાં શિવ-પાર્વતી બનેલા કલાકારો સિગારેટ પીતા દેખાય છે. તેની આ પોસ્ટથી ભાજપના નેતાઓ અને યુઝર્સ ફરી રોષે ભરાયા.તેમણે સોશિયલ મીડિયા પર લીનાની ટીકા કરી. ધાર્મિક લાગણીઓ ઉશ્કેરવાનો આક્ષેપ પણ કર્યો. ત્યાર બાદ અન્ય એક ટિ્વટમાં તેણે બ્રિટનના એક અગ્રણી અખબારના સમાચારની લિન્ક શૅર કરતા જણાવ્યું કે ભારત સૌથી મોટી લોકશાહીમાંથી હેટ મશીન બની ચૂક્યું છે. લોકો મને સેન્સર કરવા માગે છે. હાલ હું ક્યાંય પણ સલામતી નથી અનુભવી રહી.બીજી એક ટિ્વટમાં લીનાએ તેની ટીકા કરતા સોશિયલ મીડિયા યુઝર્સ સામે રોષ વ્યક્ત કરતા કહ્યું કે આ ટ્રોલ્સ મારા આર્ટિસ્ટિક ફ્રીડમની પાછળ પડી ગયા છે. જો હું આ મૂર્ખ જમણેરી મોબ માફિયાથી ડરીને મારી સ્વતંત્રતા ગુમાવી દઇશ તો બધાની સ્વતંત્રતા ગુમાવીશ. તેથી કંઇ પણ થાય, હું મક્કમ રહીશ.