ઓલિમ્પિક સિલ્વર મેડાલિસ્ટ વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતને પહેલો ગોલ્ડ અપાવ્યો છે. તેણે વેઇટલિફ્ટિંગમાં 49 કિગ્રામાં સ્વર્ણ પદક પોતાના નામે કર્યો છે. આ ઉપરાંત મીરાબાઈ ચાનૂએ રાષ્ટ્રમંડળ રમતમાં નવો ઈતિહાસ રચી દીધો છે. તેણે સ્નૈચ રાઉન્ડમાં સૌથી વધુ વજન ઉઠાવીને રેકોર્ડ બનાવ્યો છે. મીરાબાઈ ચાનૂએ સ્નૈચ રાઉન્ડમાં સૌથી વધુ 88 કિલો વજન અને ક્લીન એન્ડ જર્ક રાઉન્ડમાં 113 કિલો વજન ઉઠાવ્યુ હતુ. તેણે કુલ મળીને 201 કિલો વજન ઉઠાવ્યુ હતુ. મીરાબાઈ ચાનૂની અહિં સુધી પહોંચવાની સફર સરળ નથી. તે જ્યારે નાનકડી હતી, ત્યારે ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી. આ કારણે તે પોતાના ભાઈ-બહેનો સાથે જંગલમાં લાકડીઓ લેવા જતી. આ લાકડીઓ ઉઠાવતા-ઉઠાવતા તેનામાં એક એસામાન્ય પ્રતિભા જાગી ગઈ. તેણે માત્ર 11 વર્ષની ઉંમરે લોકલ વેઇટલિફ્ટિંગ ટૂર્નામેંટમાં પોતાના જીવનનો પ્રથમ મેડલ જીત્યો હતો. ભાસ્કરને આપેલા ઇંટરવ્યુમાં મીરાબાઈ ચાનૂની માતા તોમ્બી લીમાએ જણાવ્યુ હતુ કે મીરાબાઈના ડાયેટના પૈસા નહોતા. તેની ડાયેટ માટે ગામમાં ચા-નાશ્તાની દુકાન ખોલી હતી. મીરાબાઈને નાનપણથી જ રમતોમાં રૂચી હતી. તે ટીવીમાં પણ આખો દિવસ સ્પોર્ટ્સના જ કાર્યક્રમો જોતી હતી. તે જ્યારે 5-6 વર્ષની હતી, ત્યારે પાણીની બાલ્ટી લઈને પહાડો પર ચડતી હતી. તે જ્યારે 10 વર્ષની હતી, ત્યારે પોતાની મોટી બહેનો સાથે ખાવાનું બનાવવા માટે જંગલમાં લાકડીઓનો જથ્થો લેવા જતી હતી. મીરાની મોટી બહેનો વજન ઉઠાવી શક્તી નહોતી. મીરાએ ટીવી પર મહાન વેઇટલિફ્ટર કુંજુ રાની દેવીને વેઇટલિફ્ટ કરતા જોઈને પોતાની ઇચ્છા આ રમતમાં જવાની દર્શાવી હતી. મીરાની માતાને ખબર હતી કે તે ભારી વજન ઉઠાવવા માટે ઘણી જ સક્ષમ છે. એટલે તેઓ તરત જ માની ગયા હતા. મીરાના પિતાને શરૂઆતમાં પસંદ નહોતુ, પરંતુ આગળ જતા તેઓ પણ માની ગયા હતા.પૈસા ના હોવાથી મીરાબાઈ ચાનૂ ટ્રક ડ્રાઇવર્સ પાસેથી લિફ્ટ લઈને ટ્રેનિંગ સેંટર પર પહોંચતી. આનાથી મીરાબાઈ કોઈ દિવસ નિરાશ થઈ નહોતી. મીરાબાઈ ચાનૂએ ટોક્યો ઓલિમ્પિક 2020માં 49 કિગ્રામાં સિલ્વર મેડલ જીતીને 21 વર્ષોની પ્રતિક્ષાને પૂરી કરી દીધી હતી. 21 વર્ષ અગાઉ કર્ણમ મલેશ્વરીએ બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યુ હતુ.મીરાબાઈ ચાનૂને 2018માં પીઠની ઈજાથી ઝઝૂમવું પડ્યુ હતુ. જોકે ત્યારબાદ તે 2019માં થાઈલેન્ડ વર્લ્ડ ચેમ્પિયનશિપથી વાપસી કરી હતી અને ચૌથા સ્થાન પર રહી હતી. ત્યારે તેણે પહેલી વાર 200 કિગ્રાથી પણ વધુનું વજન ઉઠાવ્યુ હતુ. ચાનૂએ જણાવ્યુ હતુ કે ઈજાના સમય દરમિયાન તેને ભારત સરકારનો પૂરો સપોર્ટ મળ્યો હતો. ઈજાથી રીકવરી માટે તેને અમેરીકા મોકલવામાં આવી હતી.