મુંબઈ : ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના મુંબઈના વરલી સ્મશાનગૃહમાં અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યા છે. તેમની અંતિમયાત્રા મુંબઈના વાલકેશ્વરમાં સી ફેસિંગ મેન્શનથી વરલી સ્મશાનગૃહમાં પહોંચી હતી. સાયરસ મિસ્ત્રીના અંતિમસંસ્કાર પારસી રિવાજ અનુસાર કરવામાં આવી રહ્યા છે. સાયરસ મિસ્ત્રી માટે આયોજિત પ્રાર્થના સભામાં ગાયત્રીમંત્ર અને ગોવિંદ ગોપાલનાં ભજનો પણ ગાવામાં આવ્યાં હતાં. આકાશ અંબાણી, HDFC ચેરમેન દીપક પારેખ, NCP નેતા સુપ્રિયા સુલે અંતિમસંસ્કારમાં હાજરી આપવા પહોંચ્યા છે. ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રવિવારે બપોરે મુંબઈ-અમદાવાદ હાઈવે પર માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેઓ ગુજરાતના ઉદવાડામાં બનેલા પારસી મંદિરમાંથી પરત ફરી રહ્યા હતા. 54 વર્ષીય મિસ્ત્રીની મર્સિડીઝ GLC 220 કાર મહારાષ્ટ્રના પાલઘર પાસે રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં મિસ્ત્રી અને તેના મિત્ર જહાંગીર પંડોલે (49)નાં મૃત્યુ થયાં હતાં, જ્યારે કાર ચલાવી રહેલાં મહિલા ડૉક્ટર અનાયતા પંડોલે અને તેના પતિ દરીયસ પંડોલે ઘાયલ થયાં હતાં. દરીયસ જેએમ ફાઇનાન્શિયલના સીઇઓ છે.લક્ઝરી મર્સિડીઝ કાર, જેમાં સાયરસ મિસ્ત્રી લગભગ 134 કિમી પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી રહ્યા હતા. કારના છેલ્લા સીસીટીવી ફૂટેજ પરથી આ વાત સામે આવી છે. કાર રવિવારે બપોરે 2.21 કલાકે ચારૌટીની ચેકપોસ્ટ પાર કરી હતી. અકસ્માત સ્થળ અહીંથી 20 કિમી દૂર છે. મર્સિડીઝ કારે માત્ર 9 મિનિટમાં આ અંતર કાપ્યું હતું.પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીને શરીરના આંતરિક ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. તબીબી પરિભાષામાં તેને મલ્ટીટ્રોમા કહેવામાં આવે છે, જેના કારણે સાયરસ મિસ્ત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સાયરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલેનું પોસ્ટમોર્ટમ રવિવારે મોડીરાત્રે મુંબઈની જેજે હોસ્પિટલમાં થયું હતું. ભારતમાં જે લોકો સમજે છે ને જાણે છે તે લોકો આગળની સીટમાં બેસીને સીટબેલ્ટ બાંધે છે પણ પાછળની સીટમાં બેસનારા મોટા ભાગના લોકો સીટબેલ્ટ બાંધતા નથી. સાયરસ મિસ્ત્રીનું મૃત્યું થયું એ આગળની સીટ સાથે જોરથી અથડાવવાને કારણે થયું અને તેના શરીરમાં અંદરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જો તેમણે પાછલી સીટે બેસીને પણ સીટ બેલ્ટ બાંધ્યો હોત તો કદાચ તેઓ ઘાયલ થયા હોત, પણ તેમનો જીવ બચી જાત.
મુંબઈના વર્લી સ્મશાન ઘાટમાં પારસી રિવાજ મુજબ વિધિ ચાલી રહી છે, ગાયત્રીમંત્ર અને ભજન સાથે વિદાય અપાઈ
Date: